રાપર, તા. 23 : ગાંધીજીના આદર્શને વરેલી 48 વર્ષ જૂની રાપરથી છ કિ.મી. દૂર નીલપર સોનટેકરી પરિસરમાં આવેલી
ગ્રામ સ્વરાજ સંઘ સંચાલિત સુશીલ શિશુ શાળાના આચાર્ય દ્વારા છાત્રાલયમાં રહીને શાળામાં
જ અભ્યાસ કરતી ધોરણ આઠની સગીર વિદ્યાર્થિનીનું જાતીય શોષણ થતું હોવાનો ધૃણાસ્પદ કિસ્સો
બહાર આવતાં શિક્ષણ ક્ષેત્ર શર્મસાર બન્યું છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગાંધીવાદી વિચારને વરેલી અને ઉત્તર બુનિયાદી
શિક્ષણ આપતી સોનટેકરી (નીલપર) સ્થિત અનુદાનિત નિવાસી સુશીલ શિશુ શાળાનાં પરિસરમાં જ
આવેલાં છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી એક સગીર ઉંમરની બાળાનું શાળાનો આચાર્ય વિપુલ
ગોહિલ તેનું જાતિય શોષણ કરતો હતો. છાત્રાલયમાં જ રહીને અભ્યાસ કરતી આ બાળા બે-ત્રણ
મહિના સુધી માસિક ધર્મમાં ન આવતાં આ નરાધમ આચાર્ય પ્રેગ્નેન્સી સ્ટ્રીપ લઈને આવ્યો
હતો, જે એનાં ખિસ્સામાંથી પડી જતાં અન્ય શિક્ષિકાનાં
ધ્યાનમાં આવી હતી. આવી ગર્ભ પરીક્ષણ સ્ટ્રીપ શાળા પરિસરમાંથી મળતાં આ શિક્ષિકાએ મેનેજમેન્ટને
વાત કરી હતી અને છાત્રાલયની ગૃહમાતાએ પરિસરમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા ચેક
કરતાં આચાર્યનાં ખિસ્સામાંથી જ આ સ્ટ્રીપ પડી હોવાનું બહાર આવ્યું હતું ત્યારબાદ છાત્રાલયની
દીકરીઓની પુછપરછ કરતાં ભોગ બનનારી બાળાએ રડતાં રડતાં તેનાં પર આચાર્ય દ્વારા થયેલા
અત્યાચારની વાત કરી હતી. બીજી તરફ ટ્રસ્ટીઓએ
આચાર્યની કડક પુછપરછ કરતાં આ સમગ્ર ઘટના બહાર આવી હતી. એ વખતે રક્ષાબંધન અને તહેવારો
હોવાથી થોડા સમય માટે આ ઘટના દબાવી દેવામાં આવી હતી, જે દરમિયાન
નરાધમ આચાર્ય સંસ્થામાંથી પોબારા ગણી ભાગી ગયો હતો. બાદમાં ભોગ બનનારી સગીરાના વાલીઓને
બોલાવી સંચાલકોએ પોલીસ ફરિયાદ કરવી હોય, તો તમામ પ્રકારની સહાયની
ખાતરી આપી હોવાનું સંસ્થાનાં પૂર્વ પ્રમુખ અને હાલમાં સંસ્થામાં જ રહેતા રમેશભાઈ સંઘવીએ
જણાવ્યું હતું. કચ્છમિત્ર દ્વારા સોનટેકરી
પરિસરની મુલાકાત લેતા વ્યવસ્થાપક અનિરુદ્ધસિંહ જાડેજા કે પૂર્વ વ્યવસ્થાપક અને સોનટેકરી
પરિસરમાં જ રહેતા નકુલભાઈ ભાવસાર મળ્યા નહોતા. સમાચાર મળતાં રાપર પોલીસ ઇન્સ્પેક્ટર
આર .એલ. ખટાણાએ સોનટેકરી ખાતે જવાબદારોની પુછપરછ કરી હતી. આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટરને
પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, ભોગ બનનારી કન્યાના વાલીઓને સમજાવી
તેમની સહમતીથી આચાર્ય અને અન્ય જે કોઈ પણ આમાં
સંડોવાયેલા હશે, તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી
કરવામાં આવશે. બનાવની જાણ થતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રાપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી
સામત વશરાની આગેવાનીમાં એક ટીમને આ અંગે તપાસ કરવા મોકલવામાં આવી હતી. આ બનાવથી શિક્ષણનાં
પવિત્ર ધામને બટ્ટો લાગ્યો છે. પરિસરમાં રહેતા આ સંસ્થાના પૂર્વ પ્રમુખ અને વયોવૃદ્ધ
શિક્ષણશાસ્ત્રી રમેશભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે, જે ઘટના બની
એનો અફસોસ એ છે કે, આચાર્ય તરીકે ફરજ બજાવતો વિપુલ ગોહિલ આ સંસ્થામાં
રહીને જ ભણ્યો છે અને અમારી સામે જ નાનો મોટો થયો છે એટલે સ્વાભાવિક છે કે,
તેનાં પર વિશ્વાસ હોય, પણ હવે અમને લાગે છે કે,
અમારી જ કંઈક ભૂલ રહી ગઈ હશે. આ બનાવથી વાગડ પંથકમાં ભારે ચકચાર પ્રસરી છે. દરમ્યાન,
સાંજે રાપર પોલીસ મથકે સમાજના લોકો એકત્ર થયા હતા. ટ્રસ્ટી દિનેશ સંઘવીને
પોલીસ મથકે બોલાવાયા હતા. આ દરમ્યાન, ફરિયાદ નોંધવા બાબતે ચર્ચા
થઇ હતી, પરંતુ સમજાવટ બાદ આવતીકાલે ફરિયાદ નોંધાવાય તેવું સૂત્રોએ
જણાવ્યું હતું.