ગાંધીધામ, તા. 29 : અંજાર તાલુકાનાં કોટડા ગામની
સીમમાં આવેલી કંપનીની બારીની ગ્રિલ તોડી નિશાચરોએ તેમાંથી રૂા. 20 લાખના 40,000 મીટર વાયર ભરેલા બે તોતિંગ
ડ્રમની ચોરી કરી હતી. ચોરીનો બનાવ છ દિવસ બાદ પોલીસ ચોપડે ચડતાં અનેક તર્ક-વિતર્ક વહેતા
થયા હતા. કોટડા ગામની સીમમાં એસિયા પેસિફિક પ્રા. લિમિટેડ કંપનીની નેચરલ પેટ્રોકેમિકલ્સ
પ્રા. લિમિટેડનો પ્લાન્ટ આવેલો છે, જેમાં સોલાર પ્લાન્ટ બનાવવાની કામગીરી ચાલી રહી છે. અહીં ગત તા. 9-5ના રાજસ્થાનથી ડી.સી. સોલાર
કેબલના બે બોક્સ જેમાં 40,000 મીટર
ડી.સી. સોલાર વાયર આવ્યો હતો, જે ભરીને
ગોદામમાં રખાવી ગોદામને તાળું મારી દેવામાં આવ્યું હતું. બાદમાં તા. 22-5નાં કામ ચાલુ કરવાનું હોવાથી
ગોદામમાં જતા અન્ય સામાન પડયો હતો, પરંતુ ડી.સી. સોલારના બે બોક્સ ગુમ જણાયા હતા, જેથી તપાસ
કરાતાં ગોદામની બારી તૂટેલી તથા ગ્રિલ તૂટેલી જણાઇ હતી, જેથી
કોઇએ આ બે બોકસની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું. આ મોટી કંપનીમાંથી તસ્કરોએ રૂા.
20 લાખના 40,000 મીટર વાયરની તફડંચી કરી હતી.
આ ભારે અને તોતિંગ વાયરને કાઢવા ટોળકી આવી હોવાનું તથા કોઇ મોટાં વાહનનો ઉપયોગ કરાયો
હોવાનું સમજાય છે. બનાવ અંગે કંપનીના પવન રિચપાલ શર્માએ ગઇકાલે સાંજે ફરિયાદ નોંધાવતાં
પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.