રાજકીય પ્રવાહો : કુન્દન વ્યાસ : મહારાષ્ટ્રમાં
ભાજપનાં નેતૃત્વ હેઠળ દેવેન્દ્ર ફડણવીસને ફરીથી સત્તા મળી છે, પણ કસોટી હવે શરૂ થાય
છે. ટ્રિપલ એન્જિન સરકારની સ્થિરતા સાથે મોદી સરકારની પ્રતિષ્ઠા પણ સંકળાઈ છે. દેવેન્દ્ર
ફડણવીસના શપથવિધિમાં પણ એકનાથ શિંદેએ `દાંત કચડયા' પછી નાયબ મુખ્યપ્રધાનપદના શપથ લીધા
છે. એમની નારાજગી સ્પષ્ટ અને જાહેરમાં પ્રદર્શિત થઈ છે. ઉત્સવના ઉત્સાહમાં રંગમાં થોડો
ભંગ પડયો તે હકીકત છે. એકનાથ શિંદેની નારાજગી અને અજિત પવારની મહત્ત્વાકાંક્ષા વચ્ચે
દેવેન્દ્રએ રાજકીય અને શાસનની સમતુલા જાળવવી પડશે. ઉદ્ધવ ઠાકરેનાં પ્રકરણનું પુનરાવર્તન
થવાની શક્યતા નથી, કારણ કે સરકારની સ્થિરતા જોખમમાં મૂકવાનાં પરિણામ શિંદેએ જોયાં છે,
તેથી અત્યારે તો `એક હૈં તો સૈફ હૈં'ના મંત્રજાપ કરવા પડશે ! અને આઘાડીના પડકારનો
સામનો કરવો પડશે. ઉદ્ધવે ભાજપ ઉપર વચનભંગનો આક્ષેપ ર્ક્યો હતો. હવે શિંદે નહીં કરી
શકે. અઢી - અઢી વર્ષની ભાગીદારી નથી. કોંગ્રેસ અને ઉદ્ધવસેનાએ વધુ આક્રમક બનવાની જાહેરાત
કરી છે, ત્યારે રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી ગૃહખાતું સંભાળનારા મુખ્યપ્રધાન
દેવેન્દ્રની હશે. આ કસોટીમાં તેઓ પાર ઊતરે તો વિકાસના માર્ગે મહારાષ્ટ્ર હવે થોભશે
- અટકશે નહીં - ભારતનાં આર્થિક પાટનગર મુંબઈના વિકાસવેગને છેલ્લાં દસ વર્ષમાં બ્રેક
લાગી હતી. હવે મહારાષ્ટ્ર માટે રાષ્ટ્રનાં પ્રથમ રાજ્યનું સ્થાન ફરીથી જમાવવું પડશે.
દેવેન્દ્ર `સરકાર'નાં
સ્થાપન દરમિયાન એકનાથ શિંદે નારાજ - નાસીપાસ હતા, થયા છે અને થાય તે સ્વાભાવિક છે,
છતાં આખરે એમણે કહ્યું કે દેવેન્દ્રએ મુખ્યપ્રધાનપદ માટે મારું નામ સૂચવ્યું હતું,
હવે હું એમનું નામ સૂચવું છું - નામ સૂચવ્યા પછી જો આવી જ ભાવના ભવિષ્યમાં રાખે તો
સરકારને આંચ નહીં આવે, પણ એમનો સૂક્ષ્મ વિરોધ - અવરોધ અજિત પવાર સામે અને ગૃહખાતું
મેળવવા માટે હતો ! મહાયુતિમાં ભાજપની ભારે બહુમતી સાથે અજિત પવારનો પૂરક ટેકો હોવાથી
શિંદેની સ્થિતિ - નબળી હતી. અજિત પવારે પ્રથમ દિવસે જ દેવેન્દ્રને સમર્થન જાહેર ર્ક્યું,
જ્યારે એકનાથ અવસર ચૂકી ગયા ! હવે દેવેન્દ્ર સરકાર સામે બે રાજકીય મોરચા છે. સૌપ્રથમ
તો પ્રધાન મંડળનાં ખાતાં - વિભાગોની વહેંચણી સમજદારીથી થાય તો સરકારની શરૂઆત `શુભ' ગણાશે.
અજિત પવારના અવરોધનાં કારણમાં ગૃહખાતું કેન્દ્રમાં હતું. ઉપરાંત, શહેરી વિકાસ વગેરે
ખાતાંનો આગ્રહ હતો. એમના વિધાનસભ્યોનું દબાણ હતું કે એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાનપદ
સ્વીકારીને સરકારમાં જોડાય તો જ અમે પ્રધાનમંડળમાં જોડાઈશું ! આ દબાણનાં પરિણામે એકનાથ
શિંદે નાયબ મુખ્યપ્રધાન બનવા તૈયાર થયા. મહાયુતિમાં આંતરિક અને બહાર શરદપવાર અને ઉદ્ધવ
ઠાકરે ! શપથવિધિના મહોત્સવની ઉજવણીમાં વોટિંગ મશીનનો વિવાદ અને મતદાનમાં ગોલમાલનો આક્ષેપ
હાલ તુરંત ભુલાઈ ગયો લાગે છે, પણ ઉદ્ધવ ઠાકરેએ રાજ્યમાં અને રાષ્ટ્રમાં જયપ્રકાશજીનાં
આંદોલન જેવું આંદોલન શરૂ કરવાની વાત કરી છે. ઈન્દિરા ગાંધીના રાજકીય ભ્રષ્ટાચારની સરખામણી
હવે મતદાનમાં કહેવાતી ગોલમાલ સાથે થાય છે. આંદોલન શરૂ થાય તો પણ તે અસરકારક બનશે ?
શક્ય છે કે હિંસા પણ થાય તો - અને ત્યારે ગૃહપ્રધાનની કસોટી હશે. આ દરમિયાન શિંદેસેના
અને અજિત પવારની હિલચાલ અને બોલચાલ ઉપર સૌની નજર હશે. આ બંને પક્ષ મૂળ રાષ્ટ્રવાદી
કોંગ્રેસ અને શિવસેનામાંથી છૂટા પડયા છે. વિધાનસભાની ચૂંટણીમાં લોકપ્રિયતા અને સંખ્યાબળ
બતાવી શકાય છે. હજુ પક્ષના સત્તાવાર વારસદાર બનવા માટે - બીજી - સ્થાનિક ચૂંટણીઓમાં
તેઓ સામ સામે હશે, તેથી યુતિમાં એકતા રાખવી અને બતાવવી પડશે. અલબત્ત, મુંબઈ સુધરાઈ
અને અન્ય સ્થાનિક ચૂંટણીઓમાં ઉમેદવારોની સંખ્યા બાબત ખેંચતાણ તો થશે જ. મુંબઈ સુધરાઈની
ચૂંટણી આરપારની હશે અને આગામી બે મહિનામાં જ થવાની શક્યતા છે. જો વિધાનસભાની ચૂંટણીની
હવા જળવાઈ રહે તો વધુ મોટી સિદ્ધિ ગણાશે. અજિત પવાર અને એકનાથ શિંદે માટે પણ ભવિષ્યનો
સવાલ છે, તેથી ભાજપ સાથે સમજૂતી - મહાયુતિ
સલામત રહેશે. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે લાડકી બહિણથી લઈને અન્ય વિકાસ યોજનાઓ આગળ
વધારવાની જાહેરાત કરી છે, પણ બે લાખ કરોડ રૂપિયાનો આ ખર્ચ છે. વધારાનો કરબોજ નાખવામાં
પણ સાવધાન રહેવું પડશે. રોજગારી અને મરાઠા આરક્ષણની સમસ્યા મોટી છે. મહારાષ્ટ્ર વિકાસ
આઘાડીના સર્જક શરદ પવાર અને એમની સાથે ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ માટે હવે અસ્તિત્વની
કટોકટી છે. શરદ પવારે એમની રાજ્યસભાની ટર્મ બે વર્ષ પછી પૂરી થાય ત્યારે ક્ષેત્રસંન્યાસ
લેવાની જાહેરાત કરી છે. જો કે, રાષ્ટ્રપતિપદની ભવિષ્યની ચૂંટણી વખતે તેઓ સક્રિય હશે
એમ મનાય છે ! પણ ત્યાં સુધીમાં યમુનામાં ઘણાં પાણી વહી ગયાં હશે. વિકાસ આઘાડી ઉદ્ધવસેના
અત્યારથી જ અલગ થવાની -સ્થાનિક ચૂંટણીઓમાં બેઠકોની સમજૂતી નહીં કરવાનો પ્રબળ મત છે.