વિશ્વનાથ જોષી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 27 : પ્રાચીનતાના
ભવ્ય ભૂતકાળને સાચવી બેઠેલાં ઐતિહાસિક લખપતમાં પુરાતત્ત્વ અવશેષો ધીરે-ધીરે નષ્ટ થઇ
રહ્યા છે. જો તેની યોગ્ય મરંમત નહીં કરાય તો લખપતનો ભૂતકાળ ફક્ત પુસ્તકોનાં પાનિયાંમાં
રહી જશે, તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. - ગઢ અને પગથિયાં જોખમી : લખપતના અગ્રણી સાલેમામદ ખલીફાએ જણાવ્યું
હતું કે, 18 કરોડ કિલ્લાના
મરંમત માટે મંજૂર થયા છે. દિલ્હી લાલ કિલ્લા પર રાષ્ટ્રીય તહેવારોમાં ધ્વજવંદન થાય
તે જ સમયે લખપતના ઐતિહાસિક કિલ્લા પર ધ્વજવંદન થાય છે. જ્યાં ધ્વજવંદન કરાય છે તે કિલ્લાનો
ભાગ નુકસાનગ્રસ્ત છે. પગથિયાં પર ચડવું પણ જોખમી છે. હાલમાં જિલ્લા કલેક્ટર પાસે આ
બાબતે રજૂઆત કરી હતી. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી અહીં મુલાકાતે આવ્યા
હતા, તેમણે ગાંડા બાવળિયાથી ઘેરાયેલા રસ્તા પણ મરંમત
થઇ જશે તેવું કહ્યું હતું. ગઇકાલે કસ્ટમ અધિકારીઓ કસ્ટમ કચેરી જોવા આવ્યા હતા અને તેમના
વિભાગને સોંપવા પંચાયત ઠરાવ કરે તેવી માગણી કરી હતી. દિવાળી પછી ગ્રામસભામાં ઠરાવ કરી
કસ્ટમ કચેરીની મિલકત તેમને સુપરત કરી દેવાશે, પણ ગઢ અને પગથિયાંની
મરંમત જલ્દી ચાલુ કરી દેવાય તેવી માગણી છે. - કસ્ટમ કચેરી જર્જરિત : સિંધુ નદીનું વહેણ ચાલુ હતું ત્યારે લખપત બંદરમાં લાકડાં, સૂકા મેવા, અનાજના મોટા
વેપારીઓ શેઠ ઘનશ્યામદાસ બંસીધર રાવ, મોતીરામ શેઠ, ભાનુશંકર શેઠ, મેમણ આકબાની શેઠ, જાનમામદ શેઠ, ગંગુ લાલવાણી ઠક્કર, શેઠ મૂળજી રાઘવજી ઠક્કર જેવા ઘનિષ્ઠ લોકો રહેતા, જેમના
મોટા વહાણ દરિયામાં વ્યાપાર અર્થે ચાલતાં અને ગઢ અંદર આવેલી કસ્ટમ કચેરીમાં દાણ પેટી
કોરી વસૂલાતી જેમાં પોણી 57 કોરીની પહોંચ
હજુ પણ ઘનશ્યામ શેઠના વંશજ સુરેશભાઇ પુરોહિત પાસે સાચવેલી પડી છે, તો રસીદ નંબર 376માં સાતસો વીસ કોરીમાં તે સમયના
કારકૂન જાનમામદે સહી કરી છે. સંવત 1963 લખ્યું છે, તેમાં
કસ્ટમ દરોગા મોહનલાલની સહી છે. જ્યાંથી લાખોની ઉપજ થતી તે કસ્ટમ કચેરી સાવ ધ્વંશ થવાના
આરે છે. જો તેની માવજત નહીં કરાય તો મહત્ત્વના પુરાતત્ત્વ અવશેષો આપણે ખોઇ નાખશું.
પાછળની પેઢીને ફક્ત પુસ્તકમાં જોવા મળશે એવું પણ જણાવાયું હતું. - કિંમતી દરવાજો પડયા છે : 18મી સદીના મધ્યમાં વેપાર વાણિજ્યના
મુખ્યમથક તરીકે જાણીતા લખપતનો કિલ્લો તો જર્જરિત થઇ રહ્યો છે, પણ મુખ્યદ્વાર પાસે પડેલો તોતિંગ દરવાજો સુરક્ષાની
જડબેસલાક વ્યવસ્થાનો સાક્ષી છે. આ દરવાજો ગઢની બહાર પડેલો છે, તેમાં કિંમતી લાકડાંનો વપરાશ થયેલો છે. ખરેખર તેને સલામત જગ્યાએ રાખવાની જરૂર
છે. ભૂતકાળમાં ગઢના દરવાજા પણ કેવા મજબૂત અને વજનદાર હતા તેનો પુરાવો છે. - અવશેષો માટે નિર્ધાર : પાંચ વર્ષ પહેલાં જીએમડીસી તથા એકાદ-બે
સંસ્થા દ્વારા જીએમડીસીના તત્કાલીન વહીવટી નિયામક વી.એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને ત્રણ
દિવસનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં
પુરાતત્ત્વ અવશેષોને સાચવવા, તેનું યોગ્ય મરંમત કાર્ય કરવા નિર્ધાર
વ્યક્ત કરાયો હતો, પણ ફક્ત લોખંડના બોર્ડ લગાવી દેવાયાં,
કોઇ મરંમત કાર્ય કરાયું નહીં. પ્રવાસન વિભાગ દ્વારા પાંચ કરોડની રકમ
પાર્કિંગ પ્લોટમાં જ વપરાઇ ગઇ. મરંમત કાર્ય થઇ શક્યું નહીં. લખપતના અવશેષો જાળવવા હશે,
તો માતબર રકમનો ખર્ચ થશે. પ્રવાસન વિભાગ મોટી રકમ મંજૂર કરાવે,
તો જ અવશેષો જળવાઇ શકે તેવી માંગ કરવામાં આવી હતી. - જજ બસમાં આવતા : લખપત તાલુકાના
નિવૃત્ત સર્કલ ઇન્સ્પેક્ટર દિનેશભાઇ ઠક્કર મૂળ લખપતના છે, હાલમાં વડોદરા રહે છે. તેમના દાદા ટેલરામ રાઘવજી
ઠક્કર લખપતમાં લોહાણા મહાજન સંચાલિત પાંજરાપોળ સંભાળતા. દિનેશભાઇ માહિતી આપતાં કહે
છે કે, 1965માં પિતા રાયશીભાઇ હોટલ ચલાવતા.
લખપત પાસેના જી-પીલર પહોંચાડવા તેમનું ગાડું રણમાં ફેરા કરતું. જીનિવા કરારમાં તેમને
દિલ્હી તેડાવી મહત્ત્વનું રેકોર્ડિંગ કરાયું હતું. આકાશવાણી પર સીમાંકન બાબતે તેમનું
રેકોર્ડિંગ પ્રસારિત થયું હતું. તે વખતે કોર્ટ, મામલતદાર કચેરી, પોલીસ થાણું લખપતમાં હતું. તાલુકાનું
મુખ્યમથક દયાપર નહીં પણ લખપત હતું. કોર્ટના જજ નખત્રાણા રહેતા હતા. તેઓ લખપત કોર્ટમાં
ફરજ પર આવે ત્યારે એસ.ટી. બસમાં આવ-જા કરતા હતા. - કેન્દ્ર સરકાર દ્વારા ધોળાવીરા, હાજીપીર, લખપતના પુરાતત્ત્વ
અવશેષ : લખપત, કોટેશ્વર વિસ્તારને રેલમાર્ગે જોડવા નક્કી કરાયું
છે. લખપત પાસે બે સિમેન્ટ એકમ, લાઇમસ્ટોન, લિગ્નાઇટ ખાણ શરૂ થવાની શક્યતા છે, તેમાંય શ્રી સિમેન્ટ
દ્વારા પણ મોટી છેર ગામ પાસે બાઉન્ડરી વોલ બનાવવાનું કામ ચાલુ થઇ ગયું છે. લિગ્નાઇટ,
બેન્ટોનાઇટ, લાઇમસ્ટોન જેવા ખનિજ પરિવહન માટે રેલવે
માર્ગ મહત્ત્વનો બની રહેશે. સિમેન્ટ કંપનીઓને રોડ માર્ગ પરનું પરિવહન મોંઘું પડે છે,
તેવું સિમેન્ટ કંપનીના અધિકારીએ જણાવતાં કહ્યું હતું કે, સિમેન્ટની ખપ મોટાભાગે કચ્છ બહાર વધુ છે. વાહનોના ભાડાં-ડીઝલ પરવડી શકે તેમ
નથી. રેલવે માર્ગ જ તેનો વિકલ્પ છે. માલવાહક ટ્રેન કાર્યરત થશે, તેમાં એકાદ પ્રવાસી ટ્રેન પણ ચાલુ થઇ શકે તેવી આશાએ લખપતવાસીઓ હરખાવું કે નહીં
તેની દ્વિધામાં છે. ઘણા તો સ્પષ્ટ કહે છે કે, ઉદ્યોગો માટે લાલ
જાજમ છે. લખપતથી ટ્રેન કોટેશ્વર-વાયોર-નલિયા થઇ ભુજ જાય તેનો સમય કેટલો... ?
એનાથી તો તાલુકાવાસીઓને ભુજમાંથી ટ્રેનમાં બેસવાનું સરળ પડશે,
એટલે સીધી ટ્રેન હોય તો જ ફાયદો થાય. લખપતમાં ઉદ્યોગો આવી રહ્યા છે.
વિકાસમાં પણ લખપત લાખેણું થાય તેવી આશા મંડાણી છે, ત્યારે પ્રવાસન
તરીકે પણ વિકાસ કરી પુરાતત્ત્વ અવશેષોની યોગ્ય જાળવણી થાય, યાદગીરીરૂપે
રા' લખપતજીની પ્રતિમા લખપત ગઢમાં મુકાય તે જરૂરી છે.