• સોમવાર, 20 મે, 2024

ભારત નેપાળને દોસ્તીની અનિવાર્યતા સમજાવે

દાયકાઓથી ભારતની સાથે ગાઢ સંબંધનો ભારે લાભ મેળવતા રહેલા નેપાળે છેલ્લાં થોડાં વર્ષથી ચીનના પ્રભાવ હેઠળ પોતાનાં વલણને દુશ્મનાવટની હદે નકારાત્મક બનાવ્યું છે. તાજેતરના એક અહેવાલ મુજબ હવે નેપાળ તેના સો રૂપિયાનાં નવાં ચલણને છાપવાનું છે અને તેમાં ભારતના વિસ્તારોને પોતાના ગણાવતા નક્શા પણ છાપશે. સ્પષ્ટ છે કે ચીને જે રીતે ભારતીય વિસ્તારો પર પોતાના અધિકારને દર્શાવવાની કોઇ તક જતી કરી નથી, એને હવે નેપાળ અનુસરી રહ્યંy છે. આમ તો દરેક દેશને તેનાં ચલણને પોતાની મુનસફી મુજબ છાપવાનો અધિકાર હોય છે, પણ તેનો અર્થ થઇ શકે નહીં કે તે અન્ય દેશની સાર્વભૌમતાનું ઉલ્લંઘન થાય એવી બાબતો તેમાં છાપે.  નેપાળે નવી ચલણી નોટમાં જે નક્શો છાપવાનું નક્કી કર્યું છે, તેમાં ભારતના લિપુલેખ, લિંપિયાધુરા કાલાપાની વિસ્તારનો સમાવેશ કર્યો છે. ત્રણે વિસ્તાર ભારતીય સરહદની અંદર હોવા છતાં છેલ્લા લગભગ ત્રણ દાયકાથી નેપાળ તેને પોતાના બતાવીને વિવાદને સતત ગંભીર સ્વરૂપ આપી રહ્યંy છે.ભારતને વિવાદથી બેવડી તકલીફ થઇ રહી છે. એક તો, નાહકની સમસ્યા વકરી રહી છે અને બીજું દાયકાઓથી જેની સાથે મજબૂત મિત્રતા રહી છે, તે દેશ આવું વલણ લઇ રહ્યો છે. ભારતે નેપાળને સારા - નરસા તમામ પ્રસંગોએ મદદ કરી છે. દરેક આપદામાં સહાય આપી છે. આવામાં સ્વાભાવિક રીતે અફસોસ થાય કે નેપાળ આટલા જૂના સંબંધોને વિસરીને ચીનના પ્રભાવમાં આવી ગયું છે.  તેણે રાજદ્વારી સંવેદનશીલતા અને નૈતિકતાનાં ધોરણોની પણ પરવા કરી નથી. નેપાળે ભારત સાથેના સીમાવિવાદને ચાર વર્ષ અગાઉ વધુ ગંભીર સ્વરૂપ આપવાનું શરૂ કર્યું હતું. તે સમયે તેણે નવા વહીવટી અને પ્રાદેશિક નક્શાને બહાલી માટે પોતાની સંસદની સમક્ષ રજૂ કર્યા હતા. સવાલ સતત સામે આવે છે કે જે વિસ્તાર કાયદેસર રીતે વર્ષોથી ભારતનો હિસ્સો છે, તેના પર દાવો કરીને નેપાળ શું હાંસલ કરવા માગે છે ? ઉલ્લેખનીય છે કે હાલમાં નેપાળી વડાપ્રધાન પુષ્પ કમલ દહલ તેમની સામ્યવાદી વિચારધારાના પક્ષને લીધે ચીનથી બહુ નિકટનો નાતો ધરાવે છે. તેઓ તેમના દેશમાં યેનકેન પ્રકારે ભારતના પ્રભાવને દૂર કરવા મથતા રહ્યા છે. માટે તેઓ ચીન પાસેથી સતત સલાહ અને મદદ મેળવતા હોવાનું પણ સૌ કોઇ ચર્ચી રહ્યંy છે. ચીને જે રીતે ભારતના વિસ્તારો પર પોતાનો અધિકાર દર્શાવવાના તમામ ઉધામા કર્યા છે, તેને હવે નેપાળ અનુસરી રહ્યંy હોવાનું જણાઇ રહ્યંy છે. પોતાની સંકીર્ણ સામ્યવાદી વિચારધારા અને હિતોને માટે થઇને ભારતની સામે સતત ઉશ્કેરણી કરી રહેલા દહલ અને તેમની સરકારને હવે વાસ્તવિક્તાનું ભાન કરાવવાની જરૂરત છે. અત્યાર સુધી ભારત નેપાળના આવા કોઇપણ પ્રયાસની સામે સખત વાંધો નોંધાવવા પૂરતો પ્રતિભાવ સીમિત રાખે છે, પણ હવે જ્યારે ચલણી નોટમાં વિવાદી નક્શો છાપવાની વાત આવી છે, ત્યારે ભારતે નેપાળને તેની મર્યાદાનું ભાન કરાવવાનાં નક્કર પગલાં લેવા પર વિચારવું જોઇએ.  ભારતે પોતાનાં મહત્ત્વ અને અનિવાર્યતા નેપાળને મક્કમતાથી સમજાવવા માટે રાજદ્વારી કાર્યવાહી હાથ ધરવાનો સમય આવી ગયો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang