• રવિવાર, 19 મે, 2024

કાળાં નાણાં સામે મિથ્યા જંગ

દેશમાં કાળાં નાણાંની સમસ્યા દિવસોદિવસ વકરતી રહી છે.  આવા અપ્રમાણિક નાણાંને નાથવાના ચાલતા પ્રયાસો છતાં તેનો વ્યાપ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કાળાં નાણાંના દૂષણમાં અધિકારીઓ, વ્યવસાયીઓ અને રાજકારણીઓની સાંઠગાંઠ જેમ-જેમ ગાઢ બની રહી છે, તેમ-તેમ તેને નાથવાના પ્રયાસો વામણા સાબિત થઇ રહ્યા છે. સોમવારે ઝારખંડની રાજધાની રાંચીમાં એનફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઇડી) દરોડો પાડીને 45 કરોડની જંગી રોકડ કબજે કર્યાના બનાવે વધુ એક વખતે કાળાં નાણાંના ચિંતાજનક રીતે વધી રહેલા વ્યાપની સાબિતી દેશ સમક્ષ આપી છે. ગયાં વર્ષે ઇડીએ મની લોન્ડરિંગના એક કેસમાં ઝારખંડના ગ્રામીણ વિકાસના મુખ્ય ઇજનરેની ધરપકડ કરી હતી. બનાવનું પગેરું રાજ્ય સરકારના મંત્રી આલમગીર આલમના વ્યક્તિગત સચિવના મદદનીશ સુધી પહોંચ્યું હતું. મદદનીશના ઘરે પડેલા દરોડામાં 45 કરોડની રોકડ મળી આવતાં ભારે ચકચાર જાગી છે. આવા નીચલા સ્તરની વ્યક્તિનાં ઘરે આટલી મોટી રકમ પડી હોય તે બતાવે છે કે, તેને ભારે ઉચ્ચકક્ષાએથી સંરક્ષણ મળતું હશે. પણ સવાલ છે કે, છેલ્લાં લગભગ આઠેક વર્ષથી ભ્રષ્ટાચાર અને કાળાં નાણાંના ખાત્મા માટે તમામ સ્તરેથી વચનો અપાય છે. વચનોને અનુરૂપ કાર્યવાહી પણ થઇ રહી છે, પણ સવાલ છે કે, હજી સુધી કાર્યવાહી જોઇએ એટલી સફળ થતી જણાઇ નથી.  ખાસ તો  સમયની સાથે કાળાં નાણાંનું સતત વધી રહેલું પ્રમાણ એક કોયડા સમાન બની ગયું છે.તપાસનીશ એજન્સીઓ સતત કાર્યવાહી કરી રહી છે. મોટાં માથાંની સામે કાયદાકીય પગલાં લેવાઇ રહ્યાં છે.  બધા છતાં કાળાં નાણાં અને ભ્રષ્ટાચારમાં ઘટાડો થયો હોવાની પ્રતીતિ સુદ્ધાં થતી નથી.  ખેરખર તો ભ્રષ્ટ તત્ત્વો, અધિકારીઓ અને નેતાઓને મામલે જરા પણ ડર હોવાનું પણ જણાતું નથી. વળી, આવા તત્ત્વો પોતાના ઘર કે કચેરીઓમાં આવાં ખરડાયેલાં નાણાં સંઘરવાથી પણ અચકાતા હોવાની બાબત માત્ર બતાવે છે કે, તેમને કાયદાની કે તેની એજન્સીઓને જરા પણ પરવાહ નથી.  વાસ્તવમાં, કાયદા તળે સંબંધિત એજન્સીઓની પાસે આવા આર્થિક ગુનાના કેસમાં કાર્યવાહીની વ્યાપક સત્તાઓ મળેલી છે, પણ જવાબદારોની સામે કાર્યવાહી હાથ ધરાયા બાદ કેસને કાયદાકીય રીતે સજાના સ્તરે પહોંચડવામાં થતા વિલંબથી ગુનેગારોમાં જોઇએ એવો ભય રહેતો નથી.  વળી, સરવાળે તો ભ્રષ્ટ આચરણ કરાનારાને ગેરકાયદે રીતે મળેલાં કાળાં નાણાંનાં નુકસાન સીવાય બીજી કોઇ દેખીતી સજા ભાગ્યે થતી હોય છે.રાંચીના કેસમાં 45 કરોડ કબજે થયા બાદ વધુ રકમ ઝડપાઇ શકે એવા અહેવાલ છે, પણ સજા કેવી રીતે થશે અને કેટલી થશે એનું કોઇ સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું નથી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang