• શનિવાર, 30 મે, 2026

19 કોલેજમાં સ્નાતક કક્ષાએ ચોથું વર્ષ શરૂ થશે

ભુજ, તા. 29 : કચ્છ યુનિ.માં નવી શિક્ષણનીતિનો સ્નાતક કક્ષાએ અમલ શરૂ કરાયા બાદ હવે અનુસ્નાતક કક્ષાએ તેના અમલ માટેના ડગ માંડી દેવાયા છે. નવી શિક્ષણનીતિના અમલ અન્વયે કચ્છની 19 કોલેજમાં સ્નાતક કક્ષાએ ચોથું વર્ષ શરૂ કરવાને એકેડેમિક કાઉન્સિલે મંજૂરી આપી દીધી છે, તો માસ્ટર્સના નવા અભ્યાસક્રમને પણ એકેડેમિક કાઉન્સિલે મંજૂરીની મહોર મારી દીધી છે. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય અંગે વિગત આપતાં કચ્છ યુનિ.ના કુલસચિવ ડો. અનિલ ગોરે જણાવ્યું કે, નવી શિક્ષણનીતિ અંતર્ગત સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ અભ્યાસક્રમનાં માળખાંમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 12મા ધોરણ બાદ સ્નાતકના ત્રણ અને અનુસ્નાતકના બે મળી છાત્રો માસ્ટર્સની ડિગ્રી મેળવતા હતા. નવી શિક્ષણનીતિમાં રેગ્યુલર માસ્ટર્સની સાથે ડિગ્રી વિથ ઓનર્સ અને ડિગ્રી વિથ ઓનર્સ અને રિસર્ચ અંતર્ગત સ્નાતક કક્ષાએ ચોથું વર્ષ શરૂ કરી અનુસ્નાતક કક્ષાએ એક વર્ષ કરી માસ્ટર્સની ડિગ્રી મેળવવા નવો વિકલ્પ અપાયો છે. ડિગ્રી વિથ ઓનર્સમાં કોલેજમાં સ્નાતકનું ચોથું વર્ષ ભણી પાંચમું વર્ષ યુનિ.માં માસ્ટર્સ તરીકે કરવાનું રહેશે. ડિગ્રી વિથ ઓનર્સ એન્ડ રિસર્ચ કરનાર વિદ્યાર્થી પીએચડીમાં પ્રવેશ લાયક ગણાશે. શ્ર્રી ગોરે કહ્યું કે, 12મા ધોરણ પછી જૂની પદ્ધતિ મુજબ પણ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકાશે. સ્નાતક કક્ષાએ નવી શિક્ષણનીતિનો અમલ શરૂ થઈ ચૂક્યો છે. અનુસ્નાતક કક્ષાએ પ્રથમવાર નવી શિક્ષણનીતિ મુજબ અભ્યાસ ચાલુ થવા જઈ રહ્યો છે. કુલસચિવે કહ્યું કે, આર્ટસ, કોમર્સ અને સાયન્સ પ્રવાહ ચલાવતી કચ્છની 19 કોલેજમાં સ્નાતક કક્ષાએ ચોથું વર્ષ શરૂ કરવાનું થાય છે. અત્યાર સુધી 10 કોલેજને આ માટે મંજૂરી આપી દેવાઈ છે. ચાર કોલેજમાં મંજૂરી માટેની પ્રક્રિયા અંતિમ તબક્કે પહોંચી છે. એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં આ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નવા અભ્યાસક્રમના આધારે કૌશલ્યવર્ધન આધારિત નવા કોર્સ શરૂ કરવા માટે ડગ મંડાયા છે. જાણકારોના મતે સ્નાતક કક્ષાએ ચોથું વર્ષ શરૂ થશે, પણ પ્રાધ્યાપકોની ઘટ આ માટે અવરોધરૂપ બની શકે તેમ છે. - જીકાસ પોર્ટલમાં 12 કોર્સમાં 8,301 છાત્રની નોંધણી : કોલેજોમાં પ્રવેશ માટે બનાવાયેલ જીકાસ પોર્ટલમાં કચ્છની કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે 8,301 છાત્રએ નોંધણી કરાવી છે. અલગ-અલગ 12 જેટલા કોર્સમાં છાત્રોએ કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે રસ દાખવ્યો છે. સૌથી વધુ આર્ટસમાં 3,143, કોમર્સમાં 3,066, તો બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં 682, વિઝ્યુઅલ આર્ટસમાં 24, વોકેશનલમાં 26, માસ્ટર્સ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં 266, માસ્ટર ઓફ સાયન્સમાં 69 છાત્રએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સ્નાતક કક્ષાએ પ્રવેશનો આ પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે, હવે પહેલી જૂન સુધી તકનીકી પ્રક્રિયા સાથે પ્રવેશ ઓફરની કામગીરી ચાલશે. બેથી છ જૂન દરમ્યાન વિદ્યાર્થીઓ જીકાસ પોર્ટલ પર તેના ડેશબોર્ડમાં લોગઈન કરી પ્રવેશની ઓફર ચકાસી શકશે. આ નોંધણી બાદ મેરિટના આધારે કોલેજમાં પ્રથમ રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા આગળ ધપશે. 

Panchang

dd