• શનિવાર, 30 મે, 2026

જ્વલનશીલ ચીજો સાચવતા યાર્ડ, વેરહાઉસો મુન્દ્રા માટે જોખમી

મુન્દ્રા, તા. 29 : મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામના સીમ વિસ્તારમાં ગઈકાલે બપોરે લાગેલી આગે અનેક  પ્રશ્નો સર્જયા છે. મુન્દ્રામાં જોખમી પદાર્થો સાચવીને બેઠેલા અનેક વેરહાઉસ, યાર્ડ, ગોડાઉનોએ ગંભીર જોખમો ઊભા કર્યા છે. આગ એટલી વિકરાળ હતી કે, આ લખાય છે ત્યારે 24 કલાકે પણ હજુ બુઝાઈ નથી અને ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા છે.  સદભાગ્યે આસપાસ કોઈ કેમિકલ કંપની, કે  તેલ ટેન્ક કે કોમર્શિયલ વિસ્તાર નહોતો, ઓઈલ ટેન્કર પણ પસાર થતા નહોતા, નહીં તો મોટી જાનહાની થાત. પણ, બધા ગોડાઉનમાં આવું નથી.  ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, એમ હિન્દ સર્કલ નજીક લાગેલી આગ એટલી ભયંકર હતી કે, આસપાસના વિસ્તારને ભારે નુકસાન પહોંચાડે.  સદભાગ્યે, આ વિસ્તાર પાસે કોઈ એવી કંપની કે સંજોગ નહોતા જેનાથી વધુ વ્યાપક બને. આ આગને બુઝાવવા પણ 14 આગ બંબાની જરૂર પડી. જો આસપાસ  આગ વધી હોત તો શું થાત એ વિચાર થથરાવી મૂકે છે. આ આગ એ  મુન્દ્રા માટે ચેતવણી સમાન છે. જો સલામતીના યોગ્ય ધોરણો પાળવામાં નહીં આવે તો મુન્દ્રા તાલુકામાં ગમે ત્યારે મોટી હોનારત થઈ શકે છે.તાલુકામાં ભદ્રેશ્વર પાસે પણ એકાદ વર્ષ પહેલાં ટાયરોમાં આગ લગાવાની ઘટના બની હતી અને એ પણ એટલી વિકરાળ હતી કે ત્રણ દિવસ સુધી ચાલી હતી. ત્યારે પણ જોખમ ઊભું થયું હતું અને ફરી પાછી આવી ઘટના બની છે. આગ સાથે આકાશમાં ધુમાડાના ગોટે ગોટાએ આસપાસ પર્યાવરણનો નખોદ વાળ્યો હતો.  તાલુકામાં  વડાલામોખા, ભદ્રેશ્વર આસપાસ વિસ્તારમાં પણ અનેક કંપનીઓવાડા, ગોડાઉન  છે. જો આવી લાગે તો આગની જવાળા અન્યને ગમે ત્યારે ચપેટમાં લઈ શકે છે. - વિદેશી ભંગાર ટાયરોની આયાત જોખમ સ્થાનિક વસ્તી પર....! : આ સિવાય પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે, વિદેશથી આટલા મોટા પ્રમાણમાં અને ત્યાંના ભંગાર બનેલા જુના ટાયરોની  આયાત શા માટે કરવા દેવામાં આવે છે.  જે જોખમી છે અને  જો પરવાનગી છે તો સલામતીના ધોરણો માટે શું ઉપાય કે  નિયમો પાળવામાં આવે છે ? શું ટાયરોનો સંગ્રહ કરતા ગોડાઉન માટે જરૂરી  પરવાનગીઓ છે કે બધું `લોલમ લોલ`નાણાંના ખેલ' થી ચાલે છે ? વિદેશોમાં તો આ પ્રકારના ટાયરોના રિસાયક્લિગ પર પ્રતિબંધ છે. કારણકે તેને બાળીને પ્રોસેસ કરવામાં આવે છે અને તેમાં પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. પણ,ભારતમાં આવા ભંગાર ઘુસાડવામાં આવે છે અને રિસાયકલ થાય છે. જ્યાં રિસાયકલ થાય છે તેની આસપાસની વસ્તીને ભોગવવાનું આવે છે. - ઉદ્યોગ ક્ષેત્ર સંબંધી વિભાગો જોખમી  પદાર્થના નિયમોનુંપાલન કરાવે છે કે ? :  આ તબક્કે ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ અને વર્કિંગ નિયમોગુજરાત ફેક્ટરી એક્ટ,   જોખમી કેમિકલ આયાતના નિયમોપોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે અને વિભાગોના નિયમો યોગ્ય રીતે પળાય છે કે કેમ તેની તપાસ કરવી જોઈએ. મુન્દ્રામાં આ આગ તો ભલે બે ત્રણ દિવસમાં બુઝાઈ જશે. પણ, ભવિષ્યમાં આનાથી વધુ ગંભીર ઘટના ન બને એના માટે ચોકસાઈના પગલાં જરૂરી છે અને એ માટે કલેક્ટર કચેરીનાયબ કલેક્ટર,મામલતદાર અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે સંકળાયેલા વિભાગોની એક સમીક્ષા બેઠક અને તપાસની જરૂર ઊભી થઈ છે. 

Panchang

dd