રામજી મેરીયા દ્વારા : ચોબારી,
તા. 29 : ભચાઉ તાલુકાના
મોટી વસ્તી ધરાવતુ ચોબારી ગામ વર્ષોથી પીવાના પાણીની સમસ્યાનું કેન્દ્ર રહ્યું છે જિલ્લા
અને રાજ્યમાં અનેક રીતે જાણીતું આ ગામ આઝાદીના 75 વર્ષ બાદ પણ પીવાના પાણીની સમસ્યાથી ઘેરાયેલું છે. ભાજપ કોંગ્રેસ
પ્રેરિત પ્રજાકીય પ્રતિનિધિઓ આવ્યા અને ગયા
પરંતુ કાયમી નિરાકરણ હજી સુધી કોઈ લાવી શક્યું નથી. જન પ્રતિનિધિઓના પાંચ વર્ષ પાણીમાં
જ જાય છે પરંતુ સમસ્યા હતી તેને ત્યાં જ રહે છે. તેમજ દૂષિત પાણીની પરિસ્થિતિથી રોગચાળાની
ભીતિ સેવાઈ રહી છે. ખેતીવાડી પશુપાલન માટે
જાણીતા ગામમાં હજારો એકરમાં કરોડોની ખેતપેદાશ લઈ શકાય છે પરંતુ માનવ વસ્તી માટે પીવાના
પાણીને પેચીદો પ્રશ્ન હોય તો ખેતી માટે તો ક્યારે વ્યવસ્થા થાય. આયોજન નો અભાવ અને નેતાગીરીની નબળાઈ વર્ષોથી પાણી
પ્રશ્ને દેખાઈ આવે છે. આ ગામના જ તાલુકા જિલ્લા પંચાયતના પદાધિકારીઓ માણસની
સ્થિતિ હજુ સુધી સુધારી શક્યા ન હોવાનું ગ્રામજનો આક્રોશ સાથે જણાવી રહ્યા છે. સોશિયલ
મીડિયામાં ચર્ચાએ જોર પકડ્યા બાદ શાસન પ્રશાસન સુધી વાત પહોંચી હતી અને તંત્ર તેમજ
આગેવાનો હેરતમાં આવ્યા હતા. પીવા લાયક ન હોય
તેવું સીધું નર્મદાનું પાણી અથવા તો તળાવનું પાણી લોકો ઉપયોગમાં લે છે જેનાથી રોગચાળો
ફેલાવવાની દહેશત ગ્રામજનો વ્યક્ત કરી રહ્યા
છે. નર્મદા કેનાલ બંધ થતા તળાવનું પાણી કાદવ કીચડ વાળું હોય છે. તો વળી ક્યાંક બોરનું પાણી પણ લાલ કલરનું આવતું
હોય છે્ અમુક વિસ્તારોમાં ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
આ અંગે સંબંધિત તંત્રોના સંપર્ક સાંધતા પાણીની સમસ્યા અંગે માહિતી મળી હોવાનું કહી
સ્થળ મુલાકાત લઈ નિરાકરણના પ્રયાસો કરાશે તેવું જણાવ્યું હતું. કચ્છમિત્રની ટીમે મુલાકાત
લીધી ત્યારે સંપની બાજુમાં બનાવેલા બોરમાંથી નીકળતું પાણી લાલ કલર જેવું જણાયું હતું.
આયોજનના અભાવે સરકારના કરોડો રૂપિયા વેડફાઈ
રહ્યા છે તેના જવાબદાર કોણ? તેવો સવાલ જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા
છે. સરકારી નાણનો સદુપયોગ થાય તે માટે આયોજનપૂર્વક પીવાના પાણીની વ્યવસ્થા કરાય અને
લોકઉપયોગી બની રહે તેવી માંગ ઉઠી છે. નળમાંથી લાલ કલરનું પાણી આવતું હોવાની ફરિયાદ
વ્યાપક બની છે. પાણીની કાયમી સમસ્યાનો નિરાકરણ થાય તેવી લોકમાંગ પ્રબળ બની છે. - નદીના પટમાં
બનાવાયેલા સમ્પમાં પાણી ભરાય તે પહેલા જમીન બેસી ગઈ : ચોબારી, તા. 29 :પાણી યોજના માટે લાખોના ખર્ચે એક વર્ષ પૂર્વે સંપ બનાવવામાં
આવ્યો હતો નદીના પટ માં બનાવાયો હોવાથી પાણી
ભરાય તેં પહેલા જ બાજુની જમીન બેસી ગઈ છે. તો પંપ માં પાણી ભરાશે તો શું થશે તે કહેવા
મુશ્કેલ છે. સરકારી ખર્ચે બનેલા પાણીના બે સમ શોભાના ગાંઠિયા જેવા બાવળની જાળીના ઝાડઓ
થી ઘેરાયેલા છે. નદીના વહેણમાં બનાવેલા સંપ માં પાણી ભરાશે તો શું સ્થિતી થાશે એ કહેવું
મુશ્કેલી ભર્યું છે.