ભુજ, તા. 29 : સેન્ટ્રલ પાકિસ્તાન અને તેની
આસપાસના વિસ્તારમાં કેન્દ્રીત સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી કચ્છ સહિત રાજ્યમાં વરસાદ
વરસે તેવી હવામાન વિભાગે કરેલી આગાહી વચ્ચે તેજ ગતિએ ફુંકાયેલા પવને જિલ્લામાં ધૂળિયો
માહોલ સર્જ્યો હતો. જિલ્લાના
મોટાભાગના વિસ્તારમાં સવારથી સરેરાશ 15થી 25 કિ.મી.ની
ઝડપે પવન ફુંકાયો હતો. એક સમયે પવનની ઝડપ વધીને 30 કિ.મી. સુધી પહોંચી હતી. સવારના સમયે જિલ્લાના વિવિધ વિસ્તારમાં
આકાશમાં વાદળોની આવન-જાવને જોવા મળી હતી. હવામાન વિભાગે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર
તળે કચ્છમાં રવિવારથી 31 મેથી લઇ ચોથી
જૂન સુધી છૂટાછવાયા વિસ્તારમાં 40થી 50 કિ.મી.ની ઝડપે તોફાની પવન અને
ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ વરસે તેવી આગાહી કરી છે. પવનની ઝડપ વધતાં મહત્તમ પારો
ગગડી ભુજમાં 35 અને અંજાર-ગાંધીધામમાં 37 ડિગ્રીએ પહોંચવા છતાં ભેજના
વધુ પ્રમાણ અને ઊંચા લઘુતમ તાપમાનના કારણે અનુભવાતા ઊકળાટે જનજીવનને પરસેવે રેબઝેબ
કરવા સાથે આકુળવ્યાકુળ કરી મૂક્યું હતું. ભેજનું પ્રમાણ સરેરાશ 80થી 90 ટકા વચ્ચે, તો લઘુતમ
પારો 28થી 30 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો.આગામી દિવસોમાં પવનનું જોર યથાવત્
રહેવા સાથે પ્રિ-મોન્સૂન વરસાદી ગતિવિધિ વેગીલી બને તેવી શક્યતા હવામાન નિષ્ણાતો દ્વારા
વ્યક્ત કરવામાં આવી છે.