• રવિવાર, 18 મે, 2025

વરસાદી વહેણ પરનાં દબાણો તત્કાળ દૂર કરો

ભુજ, તા. 17 : જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. પદાધિકારીઓએ પ્રજાહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા માટે સંબંધીત વિભાગોને તાકીદ કરી હતી. ખાસ કરીને વરસાદી વહેણ પરના દબાણો તત્કાળ દૂર કરવા સંબંધીત તંત્રોને સૂચના અપાઇ હતી. સાંસદ વિનોદભાઈ ચાવડાએ સરહદી વિસ્તારોની ચોકીઓમાં પાણીના પુરવઠા બાબતે યોગ્ય પગલાં ભરવાની રજૂઆત હતી. માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ વયવંદના યોજના, વાહન અકસ્માત યોજના સંલગ્ન પ્રશ્નો, પશુઓને પીવાના પાણીની વ્યવસ્થા તથા મોટા કાંડાગરામાં દબાણ અંગેના પ્રશ્નોની ચર્ચા કરી હતી. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ ઉદ્યોગગૃહોમાં સ્થાનિક ભરતીનો મુદ્દો, લીલાશા રેલવે અંડરપાસની કામગીરી, ખેડોઈ તથા લાખાપરમાં બેંકની શાખા શરૂ કરવા, ભારાપર-બળદિયા તથા કેરા બાયપાસ તથા ટોલપ્લાઝા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ વીજળી, જમીન આકારણી, ખેત વીજ કનેક્શન, આધારકાર્ડ, રોજગારી, સી.એસ.આર. ફંડ, બિબ્બર ખાતે ડેમ બનાવવા, નખત્રાણા ટાઉનહોલ, દયાપર સરકારી કોલેજની કામગીરી, ગૂગળના વેચાણ, વન વિભાગને સંલગ્ન પ્રશ્નો, ઉદ્યોગોના કચરાના નિકાલ તથા શાળા અને આંગણવાડીના પ્રશ્નો રજૂ કર્યા હતા. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે ભુજ શહેરમાં લો-વોલ્ટેજની સમસ્યા, સબસ્ટેશન બનાવવા સહિતના મુદ્દે રજૂઆત કરી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા દ્વારા બન્નીના પશુપાલકોને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે આઇ-ખેડૂત પોર્ટલમાં ગામનો સમાવેશ કરવા રજૂઆત કરી હતી. કલેક્ટર દ્વારા શરણાર્થીઓના પ્રશ્નો, વાંઢના પ્રશ્નો, આધારકાર્ડ, રેલવે, પાણીના પ્રશ્નો, દબાણ, નર્મદા કેનાલ, જમીન ફાળવણીના લગતી બાબતો, યોજનાથી વંચિત રહેતા લોકોને પૂરતો લાભ મળે તે જોવા, વીજ કનેક્શન, પાણીના સંગ્રહ સ્થાનો સંલગ્ન પ્રશ્ન તથા જર્જરિત શાળા તથા આંગણવાડી સહિતની સમસ્યાઓનો હકારાત્મક અને ત્વરિત ઉકેલ આવે તે દિશામાં કાર્યવાહી કરવા સંલગ્ન વિભાગોને ખાસ તાકીદ કરી હતી. ચોમાસાં પૂર્વે પાણીના વહેણો પરના અવરોધો દૂર થાય તે માટે ખાસ ઝુંબેશ ચલાવવા અધિકારીઓને સૂચના આપી પ્રશ્નોના હલ માટે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડયું હતું.કલેક્ટરે `ઓપરેશન સિંદૂર' દરમિયાન કચ્છના વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીને બિરદાવીને દરેક વિભાગના કર્મયોગીઓની સરાહના કરી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધીક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર ડી.પી. ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક નિકુંજ પરીખ, સિવિલ ડિફેન્સના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ધવલ પંડયા તથા પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd