• શનિવાર, 08 નવેમ્બર, 2025

માવઠાં પીડિત ખેડૂતોને 10 હજાર કરોડનો મલમપટ્ટો

અમદાવાદ, તા. 7 : કવેળાના વરસાદથી ખેતીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં બેહદ નુકસાન થયું છે, ત્યારે સરકાર કંઈ કરતી નથી તેવી નાના કિસાનોથી માંડીને કિસાન સંઘની રાવો અને આંદોલન કરવાની ચેતવણીઓ વચ્ચે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે શુક્રવારે અત્યાર સુધીના સૌથી મોટાં 10 હજાર કરોડ રૂપિયાના ઐતિહાસિક સહાય પેકેજની ઘોષણા કરી હતી. જો કે, માત્ર બે હેકટરની મર્યાદામાં 22 હજાર રૂપિયા પ્રતિ એકરની સહાય અપાશે, એ જોતાં વધુ જમીન પર પાકને નુકસાન થયું હશે, તેવા કિસ્સાઓમાં આ મર્યાદિત સહાય મલમનું કામ કરશે, પરંતુ બે હેક્ટરથી વધુ ભૂભાગ પર ખુવારી સહન કરનાર ધરતીપુત્રોને થયેલા નુકસાનની પૂરી ભરપાઈ કરવી શક્ય નહીં બને. ચાલુ વર્ષે તાજેતરમાં થયેલા કમોસમી વ્યાપક વરસાદથી ખેડૂતોના ઊભા પાકને કાપણી સમયે જ મહત્તમ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આ નુકસાનમાંથી બનતી ત્વરાએ બેઠા કરવાનો અભિગમ અપનાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી અપાયેલા રાહત સહાય પેકેજના ઇતિહાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પિયત અને  બિનપિયત પાકોને એકસમાન પાક નુકસાન વળતર આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.  રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટરદીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે. ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂા. 10 હજાર કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે. મુખ્યમંત્રી આ કુદરતી આપદામાં સતત ખેડૂતોની ચિંતા કરીને તેમની પડખે ઊભા રહ્યા છે. એટલું  જ નહીં, તેમણે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે 3 દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ-રાત કાર્યરત કરવાના દિશાનિર્દેશો ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલા હતા. આ દિશાનિર્દેશોને પગલે કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ સતત ખડેપગે 24#7 કામ કરીને પાક નુકસાનીનો સર્વે/પંચ રોજકામ હાથ ધર્યા હતા.મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓને વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની જાતમાહિતી મેળવવા સંબંધિત જિલ્લાઓની મુલાકાત માટે પણ સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓનાં પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લામાં, કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગરમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ તાપીમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડો. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથમાં તેમજ રાજ્યમંત્રી  કૌશિક વેકરિયાએ અમરેલી જિલ્લાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને સ્થળ પરના નુકસાન અહેવાલની વિગતો મુખ્યમંત્રીને પૂરી પાડી હતી. નોંધનીય છે કે મુખ્યમંત્રી પોતે પણ ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા અને ધરતીપુત્રોની વાત પૂરી સંવેદનશીલતા સાથે સાંભળીને તેમને હૂંફ-સધિયારો આપ્યા હતા. તેમણે  આ સમગ્ર વિગતોની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા રાજ્યના મંત્રીઓ સાથે કરી હતી, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુ દેસાઈ વીડિયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા.    મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્ય સરકારે વ્યાપક નુકસાનનો ભોગ બનેલા ધરતીપુત્રોની વ્હારે આવીને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડનું માતબર સહાય પેકેજ આપવાનો આ નિર્ણય કર્યો છે.   

Panchang

dd