ગાંધીધામ, તા. 6 : રાપરનાં ત્રંબૌ ખડતલ વાંઢ તથા સાયાબંધ વાડી વિસ્તાર નંદાસરમાં દેશી દારૂ અંગે દરોડા પાડવા ગયેલી પોલીસને બે દેશી બંદૂક મળી આવી હતી. આ કાર્યવાહી દરમ્યાન બે શખ્સની અટક કરવામાં આવી હતી. ત્રંબૌ ખડતલા વાંઢમાં રહેનાર પ્રવીણ રૂપશી કોળી નામનો શખ્સ પોતાના કબજાની વાડીમાં દેશી દારૂ રાખી તેનું વેચાણ કરતો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે અહીં છાપો માર્યો હતો. અહીં તપાસ કરતાં ખેતરના શેઢામાંથી દેશી હાથ બનાવટની રૂા. 2000ની બંદૂક મળી આવી હતી. તેના આધાર પુરાવા ન આપી શકતાં પ્રવીણ કોળીની અટક કરાઇ હતી. આ બંદૂક તેઓ એક મહિના પહેલાં નાનજી મમલા કોલી પાસેથી લીધી હોવાનું બહાર આવ્યું હતું. દેશી દારૂની પૂર્વ બાતમીના આધારે બીજી કાર્યવાહી નંદાસરના સાયાબંધ વાડી વિસ્તારમાં કરવામાં આવી હતી. હનિફ ઉર્ફે પોટો બાપુજી સમાની કબજાની વાડીમાંથી દેશી હાથ બનાવટની રૂા. 2000ની બંદૂક જપ્ત કરવામાં આવી હતી. આ શખ્સે કયાંથી બંદૂક મેળવી તે બહાર આવ્યું નહોતું.