• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

સમંડા ચિંકારા શિકાર કેસમાં અંતે આરોપી શરણે

ભુજ, તા. 6 : 11 માસ પૂર્વે અબડાસાના સમંડામાં ચિંકારા શિકારના ચર્ચાસ્પદ કેસમાં આરોપી ઇમામશા લતીફશા સૈયદે રાહત મેળવવા છેક સુપ્રીમ કોર્ટ સુધી દોડ લગાવી હતી, પરંતુ સુપ્રીમે પણ રાહત ન આપી બે સપ્તાહમાં સરેન્ડર થઇ જવા અન્યથા તપાસકર્તાને કાયદાકીય કરવાની છૂટ આપતાં અંતે આરોપી શરણે થતાં વન વિભાગે તેની અટક કરી છે અને આ કેસમાં અન્ય બે આરોપીનાં નામ પણ?સામે આવ્યાં છે. આ આખા કેસની ટૂંક વિગત એવી છે કે, ગત તા. 8/1/23ના સમંડાની સીમમાં કાળી સ્કોર્પિયો કારમાં આવેલા ચાર-પાંચ શિકારીએ બંદૂકના ભડાકે અબોલ જીવનો શિકાર કરી તેને કારમાં લઇ ગયા હતા અને કામ પરથી પરત ફરતા સ્થાનિક યુવાનોએ ગેરપ્રવૃત્તિ જોઇ હતી અને કારના નંબર નોંધી આ બનાવની વન તંત્રને જાણ કરતાં વન વિભાગે આખો વિસ્તાર ખૂંદી નાખ્યો હતો, પરંતુ આરોપીઓ નાસી છૂટયા હતા. ઘટનાસ્થળે તપાસ કરી પ્રાણીના લોહી અને વાળના પુરાવા મેળવી ફોરેન્સિક લેબમાં મોકલાતાં મૃત પ્રાણી ચિંકારા-હરણ હોવાનો અહેવાલ માર્ચમાં આવ્યો હતો. સ્કોર્પિયો કારના નંબર અને આરોપીના મોબાઇલ લોકેશનના આધારે માંડવીના ધવલ પાર્કમાં રહેતા મૂળ શિરવાના ઇમામશા લતીફશા સૈયદની સંડોવણી સ્પષ્ટ થતાં વન તંત્રએ તેને સમન્સ પાઠવ્યો હતો. આમ, પોતાની ધરપકડની દહેશત દર્શાવી ઇમામશાએ ભુજની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરતાં કોર્ટે તે અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ તેણે ગુજરાત હાઇકોર્ટમાં પણ?અરજી કરી, પરંતુ અરજી પણ?હાઇકોર્ટે નામંજૂર કરી હતી. આથી ઇમામશાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પિટીશન દાખલ કરી હતી, જેથી ચિંકારા શિકારનો કેસ દેશની સર્વોચ્ચ અદાલત સુધી પહોંચતાં વન તંત્રની પણ?આ કેસ પર મીટ મંડાઇ હતી. આ કેસમાં સુપ્રીમના જજ સી. ટી. રવિકુમાર અને સંજયકુમારની ખંડપીઠે બે સપ્તાહ પૂર્વે આરોપીની અરજી ફગાવી દઇ આરોપીને બે સપ્તાહમાં સરેન્ડર કરે તો કેસના ગુણદોષ?ચકાસી જામીન પર નિર્ણય લેવા કોર્ટને જણાવ્યું હતું, પરંતુ જો આરોપી સરેન્ડર ન કરે તો તપાસનીશોને કાયદા મુજબ કાર્યવાહીની છૂટ અપાઇ છે. આમ, સેશન્સ કોર્ટમાં અધિક જિલ્લા સરકારી વકીલ સુરેશ મહેશ્વરીએ કરેલી દલીલો અને સેશન્સ કોર્ટનો ચુકાદો છેક સુપ્રીમ કોર્ટ સુધી માન્ય રહ્યો છે. જો કે, કાયદાકીય લાંબી લડાઇ બાદ અંતે આજે આરોપીએ નલિયા કોર્ટમાં સરેન્ડર કરતાં વન વિભાગે તેને અટકમાં લઇ વધુ તપાસ આરંભી છે. આવતીકાલે ચિંકારાના શિકાર મામલે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને જરૂર પડયે રિમાન્ડ મેળવવા પણ વન વિભાગ પ્રયત્નો કરશે, સાથે આ ગુનામાં હજુ અન્ય આરોપીઓના નામ પણ સામે આવ્યા છે, જેમાં મુસ્તાક માંજોઠી અને અકીલ (રહે. શિરવા)નો સમાવેશ થાય છે, જેની સામે કાર્યવાહી માટે પણ?વન વિભાગે તપાસ આરંભી છે. શિડયુલ-1માં આવતા ચિંકારાના શિકાર મામલે સાત વર્ષ જેટલી સજાની જોગવાઇ પણ કાયદામાં કરેલી છે. આમ, 11 મહિના જેટલા લાંબા સમય બાદ આ કેસમાં પહેલો આરોપી કાયદાના સાણસામાં આવ્યો છે. આરોપી ઇમામશા લતીફશા સૈયદની સામે માંડવી પોલીસ મથકે અન્ય ગુનાઓ પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કિસ્સામાં રેન્જ ફોરેસ્ટ અધિકારી અજયસિંહ સોલંકી તથા તેમની ટીમે ગુનો બન્યો ત્યારથી સર્વગ્રાહી તપાસ ચલાવી હતી.

Youtube Live

Budget 2024 LIVE

Panchang