ગાંધીધામ, તા. 4 : અંજાર તાલુકાના વાડા ગામે આવેલી એક વાડીમાં
પોલીસે છાપો મારી અહીં ઓરડીમાંથી તથા બે વાહનોમાંથી રૂા. 16,67,580ની 4020 દારૂની બોટલો
જપ્ત કરી હતી. આ વાડીમાંથી વાડીના માલિકની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ અન્ય ચાર શખ્સોનાં
નામ ખુલ્યાં હતાં. અંજારના નિંગાળથી વાડા ગામ બાજુ જતા માર્ગ ઉપર વાલજી જખુ વિરડાની
વાડીમાં દારૂ ઊતર્યો હોવાની પૂર્વ બાતમીના આધારે આજે બપોરે પોલીસે કાર્યવાહી કરી હતી.
વાડીમાંથી હાજર મળી આવેલા વાલજી વિરડાની પોલીસે ધરપકડ કરી હતી. આ વાડીમાં તપાસ કરાતાં
પતરાંની બે ઓરડી જણાઈ આવી હતી. જેમાંથી 750 એમ.એલ.ની. દારૂની બોટલોની પેટીઓ મળી આવી
હતી. આ ઓરડીમાં 750 એમ.એલ.ની મેકડોવેલ્સની 1188 બોટલ, ઓલ સિઝન્સ 750 મિ.લી.ની 924 બોટલ
મળી આવી હતી. તેમજ આઈસર વાહન નંબર જી.જે.-09-એ.વી.- 2460ના પાછળના ભાગે તપાસ કરાતાં
તેમાંથી પણ દારૂ નીકળી પડયો હતો. આ વાહનમાંથી 750 મિ.લી.ની રોયલ ચેલેન્જની 612 બોટલ
પોલીસના હાથે લાગી હતી તથા આઈસરની આગળ ઊભેલા ટાટા કંપનીના યોદ્ધા વાહન નંબર જી.જે.-12-બી.વાય.
-6513ની તપાસ કરાતાં તેમાંથી રોયલ ચેલેન્જ 750 મિ.લી.ની 492 બોટલ, મોકડોવેલ્સ નંબર-1
750 મિ.લી.ની 576 બોટલ, ઓલ સિઝન્સની 750 મિ.લી.ની 228 બોટલ મળી આવી હતી. આ વાડીમાં
ઓરડી તથા બે વાહનોમાંથી પોલીસે રૂા. 16,67,580ની 4020 બોટલ હસ્તગત કરી હતી. પકડાયેલા
વાલજી વિરડા (રહે. નિંગાળ)ની પૂછપરછ કરાતાં નિંગાળના જિગર મોહન વાળંદ, જયેન્દ્રસિંહ
ઉર્ફે લાલો ઉર્ફે જયરાજસિંહ નારૂભા વાઘેલા, મીતરાજસિંહ કિરીટસિંહ જાડેજા (રહે. અંતરજાળ)
તથા રાજેન્દ્ર સુરેન્દ્ર પ્રસાદ (રહે. કિડાણાએ મળીને ગત રાત્રે દારૂ અહીં લઈ આવ્યા
હતા, જે પૈકી યોદ્ધા વાહનમાં દારૂ જિગર, લાલાએ ભરી રાખ્યો હતો.અને આજે લઈ જવાના હતા
તેમજ આઈસરમાં રહેલો દારૂ મીતરાજ, રાજેન્દ્ર લેવા આવવાના હતા. આ માલ અહીંથી સગેવગે થાય
તે પહેલાં પોલીસે છાપો મારી બુટલેગરોના મનસૂબા
પર પાણી ફરેવી નાખ્યું હતું. અહીંથી પોલીસે દારૂ, વાહનો, મોબાઈલ વગેરે મળીને કુલ રૂા.
31,77,580નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર્યવાહી દરમ્યાન આ શખ્સો દારૂ ક્યાંથી ભરી
લાવ્યા હતા તે બહાર આવ્યું નહોતું.