• મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2026

અબડાસાના રાતા તળાવ પાંજરાપોળમાં માંડવીના મહંત દ્વારા 12.11 લાખનું અનુદાન

નલિયા,તા 23 : કચ્છની જીવદયાની પરંપરાને ઉજાગર કરતા એક પ્રેરણાદાયી પ્રસંગમાં, માંડવી સ્થિત ભાનુશાલી દ્વારાના મહંત કરસનદાસજી (કૃષ્ણદાસજી) મહારાજ દ્વારા અબડાસા તાલુકાના રાતા તળાવ ખાતે આવેલી સંત વાલરામ મહારાજ પાંજરાપોળને ગૌ-સેવા અને પશુ સારવારના હેતુસર રૂપિયા 12,11,111/-નું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું છે, આ રકમનો ઉપયોગ બીમાર ગૌવંશની તાત્કાલિક સારવાર માટેની `પુરાણ રથ' ગૌ-એમ્બ્યુલન્સ માટે કરવામાં આવશે.  ભાનુશાલી જ્ઞાતિના ધર્મગુરુ અને સાતમા ગાદીપતિ પૂજ્ય પૂરણ રામજી મહારાજની સ્મૃતિમાં મહંત કરસનદાસજી મહારાજ દ્વારા આ દાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાતા તળાવ ગૌશાળાની સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈ મહારાજે અત્યાર સુધીમાં સમયાંતરે કુલ 40 લાખ રૂપિયા જેટલી જંગી રકમ ગૌ-સેવા અર્થે અર્પણ કરી છે. આ પ્રસંગે સંસ્થાના સેવકો તથા જીતેન્દ્ર મહારાજના હસ્તે મહંત કરસનદાસજી મહારાજનું વૈદિક પદ્ધતિથી પૂજન-અર્ચન કરી સન્માન કરવામાં આવ્યું હતું અને ગુરુ મહારાજની ભાવપૂર્ણ આરતી ઉતારવામાં આવી હતી. આ અવસરે શિરવા (તા. માંડવી)ના વતની અને હાલ લાતુરવાડા સ્થિત કિશોરભાઈ હરિદાસ જોઈસર તરફથી પણ રૂપિયા 11 હજારનું યોગદાન અપાયું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન હરેશભાઈ ભાનુશાલી (શિરવા-માંડવી) તેમજ સંસ્થા વતી મોહનભાઈ ગોરી, ચેતનભાઇ ભદ્રા, વસંતભાઈ નંદા, કનુ બાવાજી, જગદીશભાઈ મંગે, મેહુલભાઈ ભદ્રા, પરેશભાઈ માવ, શંકરભાઈ માવ અને શૈલેષભાઈ પટેલ સહિતના અગ્રણીઓ અને સેવકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહારાજના આશીર્વાદ સાથે અર્પણ કરાયેલી આ એમ્બ્યુલન્સ સેવા અબડાસા પંથકના અબોલ પશુઓની સારવારમાં આશીર્વાદ રૂપ સાબિત થશે.

Panchang

dd