• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ભુજમાં જેલ પ્રશાસનની જમીન માટે તંત્ર દ્વારા સારસંભાળનો અભાવ

ભુજ, તા. 12 : મહિલા આશ્રમ ચાર રસ્તા પાસે આવેલી જેલ પ્રશાસનની કિંમતી જમીનની તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની સાર-સંભાળ ન લેવાતી હોવાના કારણે આ જમીન ઉપર ગાંડા બાવળે ઘેરો ઘાલ્યો છે. ગટરના પાણી પણ આ જમીન પાસેથી વહી રહ્યાં છે તથા નધણિયાતી બનેલી આ જમીન ઉપર હવે કેબિન અને લારીઓ પણ ગોઠવાઈ ગઈ છે. એક બાજુ સરકાર ગંભીર ગુનામાં સંડોવાયેલાઓની મિલકતો તોડી પાડીને અસામાજિક તત્ત્વોમાં ભયનો માહોલ ઊભો કરી રહી છે, ત્યારે બીજી બાજુ સરકાર જ પોતાની કિંમતી જમીનની સાર-સંભાળ ન લેતી હોવાના કારણે એ જમીન ઉપર દબાણ પ્રવૃત્તિઓમાં સામેલ લોકો કોઈ પણ જાતના ડર વગર બાંધકામ કરી લે છે. શહેરમાં સરકારી જમીન ઉપર દબાણ હટાવવાની શરૂ થયેલી ઝુંબેશ  થોડા દિવસ પછી બંધ થતાં દબાણ કરનાર ફરી એ જમીન ઉપર બાંધકામ કરીને રહેણાક અને ધંધા કરે છે. અસામાજિક તત્ત્વો લેન્ડગ્રાબિંગ જેવા કાયદાથી પણ ડરતા ન હોવાની ફરિયાદ ઊઠી હતી. મહિલા આશ્રમ ચોકડી પાસે વાહનોની સતત અવરજવર વચ્ચે આવાં દબાણોથી લોકોને અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડતી હોવાથી એક સર્કલ બનાવવાની તથા પોલીસ ચોકી હોવાની માંગ લોકોએ કરી હતી. અહીં ધાર્મિક સ્થળ ગુરુદ્વારા હોવાથી પાર્કિંગની સમસ્યા રહેતી હોવાની ફરિયાદ લોકોએ કરી હતી. 

Panchang

dd