• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

કાર વિસ્ફોટ આતંકી હુમલો; ઓપરેશન સિંદૂર 2.0ની તૈયારી ?

નવી દિલ્હી, તા. 12 : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સોમવારે થયેલા કાર વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે અને સતત તપાસ ચાલી રહી છે ત્યારે કેન્દ્ર સરકારે બુધવારે કેબિનેટની સુરક્ષા મામલાની કેબિનેટ (સીસીએસ)ની બેઠક બોલાવી હતી અને દિલ્હી વિસ્ફોટને આતંકી હુમલો માન્યો છે ત્યારે આતંકપરસ્ત પાકિસ્તાન સામે ફરી મજબૂત કાર્યવાહીની શકયતા છે. કેબિનેટે ધડાકાની આલોચના કરતો પ્રસ્તાવ પસાર કર્યો હતો અને મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટનો ઠરાવ વાંચતાં કહ્યું હતું કે`રાષ્ટ્ર વિરોધી શક્તિઓએ 10 નવેમ્બરના લાલ કિલ્લા પાસે કાર વિસ્ફોટ કર્યો હતો. આ એક જઘન્ય આતંકવાદી ઘટના છે. કેબિનેટે આ આતંકવાદી હુમલાની તાત્કાલિક અને સચોટ તપાસનો નિર્દેશ આપ્યો છે જેથી ગુનેગારો અને તેમના સાથીદારોને ઓળખી શકાય અને કોઇપણ વિલંબ વિના ન્યાયના કઠેડામાં લાવી શકાય.' વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્રીય મંત્રીમંડળે આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતાની નીતિ પ્રત્યેની પોતાની અતૂટ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે. તેમણે કહ્યું, `કેબિનેટ રાષ્ટ્રીય સુરક્ષા અને દરેક નાગરિકની સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતા અનુસાર, તમામ ભારતીયોના જીવન અને સુખાકારીનું રક્ષણ કરવા માટે સરકારના સંકલ્પને પુન:પુષ્ટિ કરે છે.' પીએમ ભુતાન પ્રવાસેથી પરત ફર્યા બાદ દિલ્હીની હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોને મળ્યા હતા. આ મુલાકાત પછી સીસીએસની બેઠક શરૂ કરવામાં આવી હતી. બેઠકની અધ્યક્ષતા પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. આ બેઠકમાં દિલ્હી વિસ્ફોટની તપાસની સ્થિતિ ઉપર ચર્ચા થઈ હતી અને આગળના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ બેઠક બાદ ઓપરેશન સિંદૂર 2.0ની પણ ચર્ચા શરૂ થઈ છે કારણ કે સરકાર અગાઉ જ સ્પષ્ટ કહી ચૂકી છે કે, કોઈપણ આતંકવાદી હુમલાને એક્ટ ઓફ વોર એટલે કે યુદ્ધનું કૃત્ય માનવામાં આવશે. ઓપરેશન સિંદૂર અને પીએમ મોદીના રાષ્ટ્રજોગ સંબોધન બાદ સીસીએસની આ પહેલી બેઠક મળી હતી, જેમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, એન.એસ.એ. અજિત ડોભાલ પણ જોડાયા હતા. આ પહેલાં 22 એપ્રિલના  પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પણ કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક થઈ હતી, જેમાં અમુક દિવસ બાદ ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પાકિસ્તાન ઉપર રાજદ્વારી પ્રહાર કર્યો હતો. તેવામાં ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે કે શું સરકાર ઓપરેશન સિંદૂર 2.0 શરૂ કરશે કારણ કે સરકાર પહેલાં જ કહી ચૂકી છે કે, ઓપરેશન સિંદૂર કયારેય ખતમ થયું નથી અને જો પાકિસ્તાન તરફથી કોઈપણ સાજિશ રચવામાં આવશે તો તેનો જડબાંતોડ જવાબ આપવામાં આવશે. સરકાર એમ પણ કહી ચૂકી છે કે ભવિષ્યમાં થનારા કોઈપણ આતંકવાદી હુમલાને એક્ટ ઓફ વોર માનવામાં આવશે. આ માટે સંભાવના વધી છે કે, ભારત ફરી એક વખત પાકિસ્તાન સ્થિત આતંકવાદી છાવણીઓને નષ્ટ કરવા અથવા તો તેના ઉપર કઠોર કાર્યવાહી કરી શકે છે.   

Panchang

dd