• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

હરવિંદરનું સુવર્ણ પર નિશાન : ધર્મવીરને પણ ગોલ્ડ

પેરિસ, તા.પ : ભારતના દિવ્યાંગ ખેલાડીઓ પેરિસમાં અદ્ભૂત પ્રદર્શન કરી રહ્યા છે. આથી પેરાલિમ્પિક ઈતિહાસમાં ભારત તેનું સર્વકાલિન શ્રેષ્ઠ દેખાવ કરીને આગેકૂચ કરી રહ્યંy છે. ભારતીય ખેલાડીઓએ વધુ બે સુવર્ણ ચંદ્રક અને એક રજત ચંદ્રક જીતીને ચંદ્રક સૂચિમાં ભારતને 13મા ક્રમે પહોંચાડી દીધું છે. ભારતના હવે પ ગોલ્ડ, 9 સિલ્વર અને 10 કાંસ્ય મળી કુલ 24 મેડલ થયા છે. ભારતને ક્લબ થ્રોમાં ધર્મવીરે ગોલ્ડ અને પ્રણવ સુરમાએ સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ પહેલા તિરંદાજ હરવિંદરસિંઘે સુવર્ણ પણ નિશાન સાધ્યું હતું. જયારે 100 મીટરની મહિલા ટી-12 રેસમાં સિમરન ફાઇનલમાં પહોંચી છે. આ ઉપરાંત આર્ચરીની મિકસ્ડ ઓપન રિકર્વ ઇવેન્ટમાં હરવિંદર-પૂજાની જોડી સેમિ ફાઇનલમાં પહોંચી હતી. - ક્લબ થ્રોમાં ગોલ્ડ અને સિલ્વર પર કબજો : ધર્મવીર અને પ્રણવ સુરમાએ ક્લબ થ્રોની એફ-પ1 સ્પર્ધામાં જબરદસ્ત દેખાવ કરીને ભારતને ગોલ્ડ અને સિલ્વર મેડલ અપાવ્યો હતો. ભારત માટે આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર ધર્મવીરની શરૂઆત સારી રહી ન હતી. તેના શરૂઆતના ચાર થ્રો ફાઉલ થયા હતા. બાદમાં જોરદાર વાપસી કરીને પાંચમા પ્રયાસમાં 34.92 મીટર દૂર થ્રો કરીને સુવર્ણ ચંદ્રક કબજે કર્યો હતો. જયારે પ્રણવ સુરમાએ તેના બીજા પ્રયાસમાં 34.પ9 મીટર દૂર થ્રો કરીને રજત ચંદ્રક કબજે કર્યો હતો. કલબ થ્રોની આ સ્પર્ધામાં ભારતના અમિતકુમારે પણ હિસ્સો લીધો હતો. તે 23.90 મીટરના થ્રો સાથે 10મા નંબરે રહ્યા હતા. કાંસ્ય ચંદ્રક સર્બિયાના ખેલાડી ફિલિપ ગ્રાઓવાકને મળ્યો હતો. તેણે 34.18 મીટરનો થ્રો કર્યો હતો. કલબ થ્રોની રમતમાં દિવ્યાંગ ખેલાડી વ્હીલચેર બેસીને હેમર થ્રોની ઇવેન્ટની જેમ થ્રો કરે છે. જો કે હેમર થ્રોની માફક ગોળા સાથે લાંબી સાંકળ હોતી નથી. - તિરંદાજીમાં હરવિંદર સિંઘને સુવર્ણ ચંદ્રક : ટોક્યો પેરાલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક જીતનાર તિરંદાજ હરવિંદર સિંઘે પેરિસમાં તેના ચંદ્રકનો રંગ બદલીને સુવર્ણ ચંદ્રક પર નિશાન તાંકયું હતું. પુરુષોની રિકર્વ ઓપન સ્પર્ધાના ફાઇનલમાં હરવિંદર સિંઘે પોલેન્ડના ખેલાડી લુકાજ સિજેકને 6-0 પોઇન્ટથી સજ્જડ હાર આપી ગોલ્ડ મેડલ જીત્યો હતો. પેરાલિમ્પિકમાં આર્ચરીમાં ગોલ્ડ મેડલ જીતનારો દેશનો પહેલો ખેલાડી બન્યો છે. સેમિમાં હરવિંદરે ઇરાની ખેલાડી મોહમ્મદ રેજાને 7-3થી હાર આપી હતી. રિકર્વ ઓપન વર્ગમાં તિરંદાજ ખેલાડી 70 મીટર દૂર ઉભા રહી નિશાન તાંકે છે. હરવિંદર સિંઘ હરિયાણાનો છે. બે વર્ષની વયે ડેગ્યૂની બિમારી પછી ઇન્જેક્શનના રીએક્શનથી તેના બન્ને પગની ગતિશિલતા બંધ પડી ગઇ હતી. આ પછી તેણે હાર ન માની અને આર્ચરીમાં આગળ વધ્યો. - સિમરન 100 મીટર રેસના ફાઇનલમાં : આ પછી આજે મહિલાઓની 100 મીટર રેસની ટી-12 સ્પર્ધામાં ભારતની દોડવીર સિમરન ફાઇનલમાં પહોંચી હતી. તેણીએ 12.33 સેકન્ડમાં રેસ પૂરી કરીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. વર્લ્ડ પેરા એથ્લેટિકસ ચેમ્પિયનશિપમાં સિમરન આ રેસમાં ગોલ્ડ જીતી ચૂકી છે. હવે તેની પાસે પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતવાની તક છે. ફાઇનલ મેચ ભારતીય સમય અનુસાર આજે રાત્રે જ રમાવાનો છે. - કપિલ પરમારને બ્રોન્ઝ મેડલ : જુડોમાં ભારતને પેરાલિમ્પિકમાં પહેલીવાર ચંદ્રક પ્રાપ્ત થયો છે. કાંસ્ય ચંદ્રકના મુકાબલામાં પુરુષોની 60 કિલો વર્ગની જે-1 સ્પર્ધામાં ભારતના કપિલ પરમારનો ફકત 33 સેકન્ડમાં બ્રાઝિલના ખેલાડી સામે 10-0થી વિજય થયો હતો. આથી કપિલ બ્રોન્ઝ મેડલનો હકદાર બન્યો હતો. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang