ગાંધીધામ, તા. 16 : નવરત્રિએ માતાજીની આરાધનાનું પર્વ છે. અંજાર તાલુકાના માથક
ખાતે આયોજિત `રાસ ઓફ કચ્છ'માં નવરાત્રિની જૂની પરંપરાને આધુનિક સ્વરૂપ
સાથે ઉજાગર કરવામાં આવી રહી છે. આ આયોજનને ખેલૈયાઓનો વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો
છે તેમજ પ્રતિદિન આગેવાનો, સંતો-મહંતો ઉપસ્થિત રહીને આયોજનને
બિરદાવી રહ્યા છે. ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની પહેલથી રીવા ફાર્મ ખાતે 99 ઈવેન્ટ્સ દ્વારા કચ્છી સંસ્કૃતિની
થીમ ઉપર આયોજિત નવરાત્રિ મહોત્સવમાં પાંચમા નોરતે પ્રદેશ ભાજપના સંગઠન મંત્રી રત્નાકરજીએ ઉપસ્થિત
રહી માતાજીની આરતી ઉતારી હતી. પ્રદેશ સંગઠન મંત્રીએ સમગ્ર આયોજનને બિરદાવ્યું હતું. તેમણે માતાજીનું
મંદિર ચાચર ચોકમાં મધ્યમાં જ રાખવામાં આવ્યું છે તે બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી. નવરાત્રિના પર્વની પરંપરાને
ઉજાગર કરતું આયોજન કરવા બદલ સૌ આયોજકોને અભિનંદન પાઠવ્યાં હતાં. `રાસ ઓફ કચ્છ'નાં આયોજનની પહેલ કરનારાં ગાંધીધામના ધારસભ્ય
માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, માતાજીની આરાધના કરવાના
ધ્યેય સાથે વર્ષ 2018માં સૌ પ્રથમ
નવરાત્રિનું આયોજન કરાયું હતું. જો કે, કોરોનાકાળ પછી આયોજન શકય બન્યું ન હતું. માતાજીની
આરાધના કરવાના હેતુથી આ વખતે `રાસ ઓફ કચ્છ'નું આયોજન કરાયું છે અને વચ્ચે દેશભક્તિનાં ગીત સિવાય અન્ય કોઈ ફિલ્મી ગીતો ગાવામાં ન આવતા
હોવાનું અને માત્ર માતાજીના ગરબા જ ગવાતા હોવાનું
જણાવ્યું હતું. અત્યારે કાર્પેટ પાથરવામાં
આવે છે, પરંતુ અહી ચાચર ચોકમાં માટી જ નાખવામાં આવી છે,
જેથી ખેલૈયાઓને રમવામાં અનુકુળતા રહે. નવરાત્રિની જે જૂની પરંપરા છે,
તેને જ આધુનિક સ્વરૂપ આપીને નવી પેઢીમાં માતાજીની આરાધના પ્રત્યે જાગૃતિ
લાવવાનો પ્રયાસ કરાયો હોવાનું જણાવ્યું હતું.
રાસોત્સવનાં સ્થળે ડેકોરેશનમાં કચ્છની પંરપરાને
સ્થાન આપવામાં આવ્યું હોવાનું કહ્યું હતું.
પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી સાથે
જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ફલજીભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ
પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રી ધવલ આચાર્ય, ગાંધીધામના મેયર દિવ્યાબેન નાથાણી,
ડેપ્યુટી મેયર નવીન જરૂ,
સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન તેજશ શેઠ તેમજ પક્ષના સંગઠનના પદાધિકારીઓ,
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.