• શનિવાર, 19 સપ્ટેમ્બર, 2026

સિટી સર્વેની હડતાળથી લોકોની મુશ્કેલી બેવડાઇ

કાઠડા (તા. માંડવી), તા. 18 : શહેરીકરણ વિસ્તારમાં જમીન-પ્લોટ સહિતની એન્ટ્રી નોંધ કરવાની સત્તા અગાઉ તલાટી પાસેથી લઈ સિટી સર્વે કચેરીને સોંપવામાં આવ્યા બાદ સિટી સર્વે વિભાગ પર કામનું ભારણ સતત વધ્યું છે. જેના કારણે અગાઉથી અનેક નોંધો લાંબા સમયથી પેન્ડિંગ હોવાની સ્થિતિ વચ્ચે હવે સિટી સર્વેયરના વર્ગ-3ના કર્મચારીઓ દ્વારા ગ્રેડ-પેના પ્રશ્ને તા. 11 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવતાં લોકોની મુશ્કેલીમાં વધુ વધારો થયો છે. કર્મચારીઓ હડતાળ પર ઊતરી જતાં જમીન-મિલકતને લગતાં કામો માટે કચેરીના ધક્કા ખાતા અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે આઈ.એલ.આર. માંડવીના કેવલભાઈ દોશીનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ કર્મચારીઓ હડતાળ પર હોવાથી આવી નોંધોની કામગીરી થઈ શકતી નથી તેમજ નોંધો પ્રમાણિત પણ થઈ શકતી નથી. જો કે, નોંધ પ્રમાણિત કરવાની સત્તા આઈ.એલ.આર. પાસે હોવા છતાં કામગીરી અટકવા અંગેની જવાબદારી સર્વેયર તરફ નિર્દેશિત કરવામાં આવી હતી.માંડવી વિસ્તારમાં અગાઉ પણ સિટી સર્વે કચેરીમાં લોકોના કામ સમયસર ન થતાં હોવાની ફરિયાદો અનેક વખત ઊઠી ચૂકી છે. હવે હડતાળના કારણે જમીન-મિલકતના દસ્તાવેજો તથા નોંધોની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલા લોકોને લાંબા સમય સુધી રાહ જોવી ન પડે તે માટે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. નોંધનીય છે કે, અગાઉ રેવન્યૂ તલાટીઓ પણ લાંબા સમય સુધી કામથી અળગા રહી હડતાળ પર ઊતર્યા હતા અને હવે સિટી સર્વેના કર્મચારીઓ હડતાળ પર છે. સરકારી વિભાગોના કર્મચારીઓના આંદોલન વચ્ચે અંતે અરજદારો અને સામાન્ય લોકોને જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd