ભુજ, તા. 1 : અહીંની સંસ્કાર સ્કૂલ ખાતે
હોકીના જાદૂગર તરીકે જાણીતા મહાન ભારતીય હોકી ખેલાડી મેજર ધ્યાનચંદની સ્મૃતિમાં રાષ્ટ્રીય
રમત દિવસની ઉજવણી કરવામાં આવકી હતી. શાળાના બેગલેસ શનિવારના ઉપક્રમે ધો. 1થી 12ના બંને માધ્યમના 707 વિદ્યાર્થીઓએ વિવિધ 15 જેટલી દેશી અને પૌરાણિક રમતોમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ
રજાના દિવસને આળસમાં પસાર કરવાને બદલે આપણી પરંપરાગત રમતો સાથે જોડાઈને રમતગમત પ્રત્યેનો
ઉત્સાહ અને ખેલદિલીની ભાવના વ્યક્ત કરી હતી. વિવિધ રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર
390 વિદ્યાર્થીઓને વિજેતા જાહેર
કરી સમગ્ર શાળા પરિવાર દ્વારા સન્માનિત કરાયા હતા. કાર્યક્રમની શરૂઆત મશાલ પ્રગટાવી
કરાઈ હતી જે વિદ્યાર્થીઓમાં રમતગમત, શિસ્ત, ઉત્સાહ અને ટીમ ભાવનનાનો સંદેશ લઈને આવી હતી.
ચારેય હાઉસની પરેડ તથા રમત ભાવનાની પ્રતિજ્ઞાએ સમગ્ર વાતાવરણને રોમાંચથી ભરપૂર બનાવી
દીધું હતું. આયોજન આચાર્ય વિરાજ બારોટ, ઉપાચાર્ય પંકજ ગામોટ,
સંકલનકર્તા ભાગ્યશ્રી જાડેજા, પારસ વાઘેલા તથા
ક્રિષ્નાનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. શાળાના સ્થાપક કૃપા કારીઆ દ્વારા
વિજેતા શૌર્ય હાઉસને ચેમ્પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી. ટ્રોફી પ્રાપ્ત થતાં જ
શૌર્ય હાઉસના અંદાજે 250 જેટલા વિદ્યાર્થીઓ
ખુશીથી ઝૂમી ઊઠયા હતા.