ગાંધીધામ, તા. 1 : મારવાડી યુવા મંચ, ગાંધીધામ તથા મારવાડી યુવા મંચ જાગૃતિ શાખા
અને સ્ટર્લિંગ રામ ક્રિષ્ના સ્પેશિયાલિટી હોસ્પિટલ, ગાંધીધામના
સહયોગથી ગાંધીધામથી આદિપુર સુધી વોકાથોનનું આયોજન કરાયું હતું, જેમાં સ્વસ્થ રાષ્ટ્ર માટે લોકો ઉત્સાહભેર
જોડાયા હતા. ફિટ રહો, હિટ રહો - સ્વસ્થ માટે ફિટ ઇન્ડિયાનો મહામંત્ર
અપનાવવાની અપીલ કરવામાં આવી હતી. વોકાથોન પૂર્વે યોજાયેલા ઝુંબા ફિટનેસ સેશનમાં વિદ્યાર્થીઓ,
શિક્ષકો તથા સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સવારે આંબેડકર ભવન
ખાતે વોકાથોનનો આરંભ કરાયો હતો. ટાગોર રોડથી
આદિપુરના મદનસિંહ ચોક સુધી લોકો ચાલ્યા હતા. સમાજમાં સ્વાસ્થ્ય અને આરોગ્ય અંગે જાગૃતિ
કેળવવા, નિયમિત કસરત અને શારીરિક પ્રવૃત્તિને જીવનશૈલીનો ભાગ
બનાવવા માટે પ્રેરણા આપવાના હેતુથી આ આયોજન કરાયું હતું. ગાંધીધામની વિવિધ શાળાઓના
વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા શાળા પરિવારના સભ્યોએ મોટી સંખ્યામાં
ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સ્વસ્થ જીવનશૈલી અને ફિટનેસનો સંદેશ આપતા
વોકાથોનમાં જોડાઈને `ચાલો કદમ
વધારીએ, સ્વસ્થ ભારત બનાવીએ'ના
સંકલ્પને સાકાર કર્યો હતો. વોકાથોનમાં ભાગ લેનારા તમામ સહભાગીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત
કરવામાં આવ્યા હતા. જ્યારે ઝુંબા સેશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેનારા સહભાગીઓને મીનાક્ષી
ઝાલા અને તેમની ટીમ દ્વારા ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સ્ટર્લિંગ
રામ ક્રિષ્ના સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા
દ્વારા મારવાડી યુવા મંચ માટે કોમ્યૂનિટી કાર્ડનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મારવાડી યુવા મંચના વરિષ્ઠ પ્રમુખ અનિલ સાંલેચા, મંત્રી
બ્રિજમોહન ચોપડા, સંસ્થાપક અધ્યક્ષ નંદલાલ ગોયલ, મહામંત્રી દિલીપ જાગીડ, કાર્યક્રમના કન્વીનર કનૈયાલાલ
રાઠોડ અને જિતેન્દ્ર જાંગીડ, કેવદારામ પટેલ, નરસીરામ ચૌધરી, મોહિત વ્યાસ, ગુજરાત પ્રાંતના પૂર્વ પ્રમુખ મીનુ ગોયલ,
મારવાડી યુવા મંચ જાગૃતિ શાખાના પ્રમુખ નિધિ પારેખ, મંત્રી પ્રિયંકા જૈન, સહિત સર્વે સભ્યો, હોદ્દેદારો અને કાર્યકરો સહયોગી બન્યા હતા. સંચાલન ઓમપ્રકાશ સરિયાલા દ્વારા
કરાયું હતું.