• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

ભુજમાં ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

ભુજ તા. 1 : ઉત્તરાખંડમાં રાહુલ ગાંધી સામે નોંધાયેલી ફરિયાદના વિરોધમાં ભુજમાં કોંગ્રેસે કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો હતો, જેમાં જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો, સભ્યો વગેરે જોડાયા હતા. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની હલ્દવાની રેલી સ્થળે બનેલી ઘટના બાદ રાહુલ ગાંધી સામે હલ્દવાની શહેરના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે જણાવ્યું હતું કે, ભાજપ અને આરએસએસ કાર્યકરો દ્વારા કરવામાં આવેલી જાતિવાદી શુદ્ધીકરણ વિધિના વિરોધમાં રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઘટનાને વખોડી કાઢી હતી, તે સમયે ભાજપ અને આરએસએસના કાર્યકરો સામે કાર્યવાહી કરવાના બદલે ભાજપ સરકારના ઈશારે પોલીસ દ્વારા રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધવામાં હતી. ભાજપ દ્વારા જાતિવાદી વર્તનનો ખુલ્લેઆમ બચાવ કરી વિપક્ષના નેતાઓને નિશાન બનાવવા માટે રાજ્ય તંત્રનો ઉપયોગ એ સ્પષ્ટપણે સાબિત કરે છે કે, તેઓ  સામાજિક અન્યાયના સૌથી મોટા ગુનેગાર અને રક્ષક છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, તેઓ જાતિ આધારિત ભેદભાવ અને અંત્યજ અત્યાચારો સામે બોલવાની હિંમત કરનાર કોઈને પણ દબાવવા માટે રાજ્યની સંપૂર્ણ શક્તિનો વહીવટ તંત્રનો ઉપયોગ કરશે તેવું દેખાઈ આવે છે. આ અન્યાયી કાર્યવાહી અને ભાજપ સરકારના આ વલણના વિરોધમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુજના હમીરસર તળાવ ખાતે આવેલી મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન સાથે રાહુલ ગાંધી સામે કરવામાં આવેલી ફરિયાદ સંબંધેની કાર્યવાહીને વખોડી કાઢવામાં આવી હતી. વિરોધ કાર્યક્રમમાં સિનિયર આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો, ભુજ શહેર તથા તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, પાંખ-સેલના હોદ્દેદારો અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd