• બુધવાર, 02 સપ્ટેમ્બર, 2026

કચ્છના પાંચ તાલુકાનાં 36 સરહદી ગામ વાયબ્રન્ટ બનશે

ભુજ, તા. 1 : પાકિસ્તાન સાથે રણ અને દરિયાઈ સરહદ સાથે જોડાયેલાં કચ્છનાં સરહદી ગામોને વાયબ્રન્ટ વિલેજ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે, ત્યારે જિલ્લાનાં 106 સરહદી ગામ પૈકી પ્રથમ તબક્કે 36 ગામ વાયબ્રન્ટ વિલેજ તરીકે વિકસવા માટે સજ્જ થવા મક્કમ ડગ માંડી રહ્યાં છે.

મોજણી પૂર્ણ, હવે પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાશે

જિલ્લા આયોજન અધિકારી જે. સી. રાવલે આપેલી વિગત અનુસાર હાલ કચ્છનાં 36 ગામ વાયબ્રન્ટ વિલેજ તરીકે વિકસવાનાં છે. કેન્દ્રનાં ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર અહીં કયાં કયાં કામો હાથ ધરવાનાં થાય છે એ માટેનું મોજણીનું કાર્ય પૂર્ણ કરી લેવાયું છે. વિલેજ પ્રોફાઈલ તૈયાર કરી મેપિંગનું કાર્ય પણ હાથ ધરાઈ ચૂક્યું છે, હવે જે કામો હાથ ધરાવાના છે, તેનો ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

કેન્દ્ર સરકારમાં મંજૂરી માટે મોકલાશે

જિલ્લા આયોજન અધિકારીએ જણાવ્યું કે, વાયબ્રન્ટ વિલેજ પ્રોગામ માટેનો પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરાયા બાદ તેની દરખાસ્ત તૈયાર કરી મંજૂરી માટે કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવશે. અલગ અલગ વિભાગનાં કામોને પણ સાંકળી લેવામાં આવ્યાં છે.

કચ્છ સહિતના ત્રણ સરહદી જિલ્લાને લાભ

વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામનો પાઈલટ પ્રોજેક્ટ ઉત્તર પૂર્વિય રાજ્યોમાં હાથ ધરાયા બાદ આ પ્રોગ્રામના બીજા તબક્કામાં ગુજરાત સહિતના 17 સરહદી રાજ્યોને આવરી લેવાયા છે. ગુજરાતની વાત કરીએ, તો કચ્છ, પાટણ અને વાવ થરાદ એમ ત્રણ સરહદી જિલ્લાને વિવિધ વિકાસકામોનો લાભ મળવાનો છે. કેન્દ્ર સરકારે કચ્છ બ્લોક પાડી ભુજ, અબડાસા, ભચાઉ, રાપર અને લખપત એમ પાંચ તાલુકાનાં 36 ગામ વાયબ્રન્ટ બનવાનાં છે. કેન્દ્ર સરકારે 6000 કરોડથી વધુનું ભંડોળ પણ ફાળવી દીધું છે.

વિકાસલક્ષી કામોને અગ્રતા

વાયબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત સબંધિત ગામોમાં સર્વાંગી વિકાસનાં કામો હાથ ધરાય તેને અગ્રતા આપવામાં આવનારી છે. આ ગામોમાં કૌશલ્ય વિકાસ, સાંસ્કૃતિક વારસાની જાળવણી, આજીવિકા નિર્માણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ સહિતનાં કામો હાથ ધરવાને અગ્રિમ પ્રાથમિકતા અપાશે. ઉલ્લેખનીય છે કે, સરહદી ગામમાં કયા કયા પ્રકારની સુવિધાની જરૂરિયાત છે તેનું પ્રાંત કક્ષાએથી આકલન કરવામાં આવ્યું હતું.

Panchang

dd