ભુજ, તા. 1 : કચ્છમાં લગભગ છેલ્લા એક માસથી
મેઘ વિરામની સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા બે-ત્રણ દિવસથી તો આભમાં જોવા મળતાં વાદળો
વિખેરાતાં નજીકના દિવસોમાં વરસાદ વરસે તેવી આશા ધૂંધળી બની રહી છે. મેઘ વિરામની સ્થિતિ
વચ્ચે મહત્તમ પારો ઊંચકાતાં વાતાવરણમાં ફરી ઉકળાટનું પ્રમાણ વધ્યું છે. અંજાર, ગાંધીધામ વિસ્તારમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રીએ પહોંચતાં આ વિસ્તારને
સાંકળતું કંડલા (એ.) મથક રાજ્યનું મોખરાનું ગરમ કેન્દ્ર બન્યું હતું. જિલ્લા મથક ભુજમાં
પણ 34 ડિગ્રીએ પહોંચેલા મહત્તમ પારાએ
ગરમી-ઉકળાટની અનુભૂતિ કરાવી હતી. ગરમી-ઉકળાટની સાથે પ્રતિ કલાક 10થી 15 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાયો હતો. હવામાન વિભાગે હળવો વરસાદ
વરસવાની આગાહી યથાવત્ રાખી છે, પણ છેલ્લા
એક માસથી આ તમામ આગાહીઓ પોકળ પુરવાર થઇ રહી છે. શ્રાવણી સરવડિયાં જેવા ઝરમરિયા કેટલાક
વિસ્તારમાં વરસે છે પણ તેને બાદ કરતાં જિલ્લામાં નોંધપાત્ર વરસાદ લાંબા સમયથી પડયો
જ નથી. ઓગસ્ટ માસના અંત સુધી જિલ્લામાં માત્ર 29 ટકા વરસાદ વરસ્યો છે. ઓગસ્ટમા
સાવ નજીવો વરસાદ પડતાં દુષ્કાળના વાદળો મંડરાઇ રહ્યાં છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર
સર્જાયું છે તેની અસરથી વરસાદ વરસવાની સંભાવના હવામાન નિષ્ણાતો દેખાડી રહ્યા છે, પણ કચ્છમાં વરસાદ વરસશે કે નહીં તે અંગે અસમંજસતા
જ જોવા મળી રહી છે.