• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

મુંદરા તાલુકાનો કાંઠાળ સીમાડો સૂકોભઠ્ઠ

દિવ્યેશ વૈદ્ય દ્વારા : મુંદરા, તા. 28 :  આ વખતે કચ્છમાં વરસાદ નહિવત છે અને એમાં પણ મુંદરા શહેરમાં સત્તાવાર રીતે તો આ મોસમનો અત્યાર સુધીનો વરસાદનો કુલ આંક 142 મિમી  અને સરેરાશ ટકાવારીની રીતે 24 ટકા જ વરસાદ નોંધાયો છે, પરંતુ આ તાલુકા વિસ્તારમાં ખેડૂતો- પશુપાલકોની સ્થિતિ ખૂબ જ કપરી છે. ખાસ કરીને ભદ્રેશ્વર, વવાર કાંઠાળ પંથકનાં ગામમાં સીમાડો કોરોકટ છે, તળાવો ખાલીખમ છે. થોડાં ઝાપટાંથી વિશેષ કંઈ વરસાદ નથી અને ઊભી થયેલી લીલક હવે પીળી ધરતીમાં ફેરવાઈ ગઈ છે. ખેડૂતો- પશુપાલકો હવે વધુ કોઈ રાહ જોયા વિના સરકાર અછત જાહેર કરે તેવી માંગ કરી રહ્યા છે.

અછત આવી જ ગઈ છે

કચ્છમિત્રએ તાલુકાનાં ઓછા વરસાદવાળા કાંઠાળ ગામોનો પ્રવાસ કરીને ચિતાર જાણવાનો પ્રયાસ કરતાં અનેક સ્થળે પાણીની ઘાસ-પાણીની સ્થિતિ સામે આવી હતી. વવાર- પાવડિયારા વચ્ચે એક પાણીની તૂટેલી પાઇપલાઇનથી સર્જાયેલું ખાબોચિયું પશુ માટે જાણે આશીર્વાદરૂપ દેખાયું હતું. એક સ્થાને રોજડું સીમાડામાંથી બહાર આવી ' માનવીઓના જોખમે ! ' પાણી શોધતું હતું. ભદ્રેશ્વર ગામના ઉપસરપંચ પ્રતિપાલાસિંહ જાડેજાએ કહ્યું કે, અહીં ઝાપટાંથી વિશેષ કંઈ નહોતું, કિસાનોની મહેનતથી ખેડીને ઊભો થતો મોલ સુકાઈ ગયો છે. હવે રાહ જોવાનો સમય નથી. કપરી સ્થિતિ આવી ચૂકી છે. તળાવો- ડેમો નર્મદાનાં પાણીથી ભરવા જ માગણી છે.

ઘાસ છે એ છેતરામણું..!

વવારના આગેવાન બાબુભાઈ ગઢવી કહે છે કે, વવારની સીમ સૂકી થઈ ગઈ છે. પશુઓનો મોટો આશરો એવી ગામની તળાવડીમાં પાણીનું ટીપું નથી. આસપાસનાં વડાલા, ભદ્રેશ્વર, હટડી, છસરા,, મોખા ગામની પણ આવી જ સ્થિતિ છે. ગામ નજીક વિંગડિયા ડેમ તળિયા ઝાટક છે. મોટાભાગની વરસાદ આધારિત ખેતી છે. નાનું ઘાસ ઉગ્યું એ છેતરામણું છે, ગાયો મોં નાખે છે, પણ ખાઈ નથી શકતી. આંકડા મુજબ, શહેરમાં પાંચ ઇંચ વરસાદ થઈ ગયો એટલું પૂરતું છે, અછત નથી, એવી નીતિ પર ફેરવિચારની જરૂર છે. અમારા પંથકમાં જ વરસાદ નહોતો. બસ, હવે માગણી છે કે, નર્મદા કેનાલમાંથી જળાશયો ભરાય, અછત જાહેર કરીને ઘાસ ડેપો- ઢોરવાડા ખોલાય. પશુ સબસીડી શરૂ નહીં થાય, તો પાંજરાપોળ - ગૌશાળાઓ અને પશુઓને ટકાવવા અઘરા છે. આ પહેલાં ગામોમાં ડાયરા- પહેડી જેવાં આયોજનોથી વરસાદ સુધીના સમય માટે એકત્ર ગાંસડી પણ પૂરી થઈ ગઈ છે. અહીં એરંડા, મગફળી જેવા પાકોની વાવણી થઈ છે, પણ પાણી વિના નહીં બચે અને ખેડૂતોના નાણાં, મહેનત બધું વ્યર્થ જઈ રહ્યું છે.

પશુના પેટ ભરાય કે ન ભરાય !

વવારના ડેરી સંચાલક અને પશુપાલક વિશ્રામભાઇ ભલાને `પશુઓનાં પેટ તો પૂરતા ભરાય છે ને ? ' એવા એક સવાલ પર લાચારી છલકાઈ આવે એવા અવાજે કહ્યું કે, ભરાય કે ન ભરાય શું કરીએ ? જે સીમાડો સાચવી શકે એ પશુપાલક તો ન સાચવી શકે ને ? પશુપાલકોની સ્થિતિ એવી છે કે ઠાલિયા - કપાસ ખાય છે. ભાવ મણના રૂ. 300થી વધીને 500 થયા છે. ગાંસડીનો ભાવ સાત રૂા.થી વધીને 15નો થયો છે. ખેતી અને પશુપાલક બન્ને ધરાવનારને તો બેવડો ફટકો છે.

વન્યજીવનાં પાણીના વલખાં

પાવડિયારા ગામની મુલાકાતમાં મળેલા તા.પં. પૂર્વ સદસ્ય દશરથાસિંહ જાડેજાનું કહેવું હતું કે, આ ગામનો સીમાડો વન્યજીવો માટેની વનસ્પતિ ધરાવે છે, પરંતુ તળાવમાં ટીપુ નથી, સીમાડો સૂકાઈ રહ્યો છે. રોજડું, શિયાળ, વેજુ એવા વન્ય જીવો, પશુ- પંખી પાણી માટે ભટકે છે. ગામના અવાડામાં રાત્રે પાણી પીવા આવે છે. બીજે ક્યાં જાય ? પાવડિયારા ખારી નદીના આવના  સ્રોત એવા જળાશયોના વહેણોને પવનચક્કી કંપનીઓએ એમના રસ્તા બનાવવા પૂરી નાખ્યા છે. ખેડૂતોને આઠને બદલે 12 કલાક વીજ પુરવઠો આપવાનો સમય થઈ ગયો છે. વડાલાના સરપંચ ગાવિંદભાઈ ગઢવી કહે છે કે, સ્થિતિ બહુ વિકટ છે અને જો વરસાદ ન થયો, તો ચાર-પાંચ મહિના જેમ તેમ કરીને નીકળી જશે, પણ ઉનાળામાં ભયંકર દુકાળ નિશ્ચિત છે. હવે કોઈ રાહ જોવાનો પ્રશ્ન જ નથી ને ઢોરવાડા શરૂ કરી દેવાય.

Panchang

dd