• શનિવાર, 29 ઑગસ્ટ, 2026

હાજીપીર રોડ પર નવીનીકરણ કામ દરમ્યાન ભારે વાહનોનો પ્રવેશ

નખત્રાણા, તા. 28 : આ તાલુકાના હાજીપીર ફાટકથી હાજીપીર સુધી માર્ગનું નવીનીકરણ ચાલી રહ્યું હોવા છતાં પવનચક્કીના પાર્ટ્સ લઈ જતાં ભારે વાહનો પસાર થતાં સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરાયો હતો. આ માર્ગનું કરોડોના ખર્ચે નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. ત્યારે માર્ગની કામગીરીને ધ્યાનમાં રાખીને ભારે વાહનોની અવરજવર બંધ રાખવા અંગે કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં પવનચક્કીના વિશાળ પાર્ટ્સ લઈ જતાં ભારે વાહનો આ માર્ગ પરથી બિન્દાસ્ત પસાર થતાં જોવા મળતાં સ્થાનિકોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી અને દેશલપર-હાજીપીર ફાટક વચ્ચે સ્થાનિક લોકો અને સરપંચોએ આવાં વાહનોને અટકાવ્યાં હતાં. સ્થાનિકોનું કહેવું છે કે, કરોડોના ખર્ચે બની રહેલા નવા માર્ગ પર ભારે વાહનો સતત પસાર થશે તો માર્ગને મોટું નુકસાન થવાની શક્યતા છે. હાલ માર્ગનું નવીનીકરણ ચાલી રહ્યું હોવાથી તેની ગુણવત્તા અને ટકાઉપણું જળવાઈ રહે તે જરૂરી છે, ત્યારે પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનો પસાર થતાં તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊઠી રહ્યા હોવાનું પણ યાદીમાં જણાવાયું હતું. કલેક્ટરનાં જાહેરનામાંનો ભંગ કરીને પ્રતિબંધિત માર્ગ પરથી ભારે વાહનો પસાર કરાવનાર વાહનચાલકો તેમજ માલિકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જાહેરનામાંનો અસરકારક અમલ સુનિશ્ચિત થાય તેવી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી.

Panchang

dd