• ગુરુવાર, 07 ડિસેમ્બર, 2023

મુંદરા વિકાસનું તો આ ટ્રેલર; પિક્ચર બાકી હૈ !

- હાર્દિક ગણાત્રા

વિશ્વસ્તરે જેની નોંધ લેવાઇ રહી છે, એવું મુંદરા ગામ નગર પંચાયતથી ગ્રામ પંચાયત અને હવે નગરપાલિકા બનવા સુધીની યાત્રા પૂર્ણ કરી ચૂક્યું છે. છેલ્લાં 25 વર્ષમાં મુંદરાના લોકો વ્યાપાર અને ઉદ્યોગના નવા અધ્યાયના સાક્ષી બન્યા છે. એશિયાનું સૌથી વધુ ઝડપથી વિકસતું મુંદરાનું અદાણી પોર્ટ મુંદરાના દરિયાકિનારાને એક વિશાળ વ્યાપારી સ્વરૂપ આપી ચૂક્યું છે અને હજુ તો ટ્રેલર આવ્યું છે અને પિક્ચર બાકી છે તેમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી એમ કહી શકાય. મુંદરાને મળેલો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓને મુંદરા લાવવામાં સક્ષમ રહ્યો છે. આજે અહીં અનેક પ્રકારે નવી નોકરીઓ અને વ્યાપારની તકોનું સર્જન થયું છે. કેમિકલ, ક્રૂડ, કોલ, એગ્રીકલ્ચર પ્રોડકટ, ફર્ટિલાઇઝર, ઇલેક્ટ્રોનિક, વાહનો અને અનેક વિવિધ વસ્તુઓની આયાત અને નિકાસ મુંદરા પોર્ટથી થઇ રહી છે. તો લાંબા ગાળાના વ્યાપારને ધ્યાનમાં રાખી દેશની અનેક કંપનીઓ પોતાના પ્રોજેક્ટ અહીં સ્થાપી રહી છે, જેમાં અદાણી વિલમાર, અદાણી પાવર, ટાટા ગ્રુપનું સીજીપીએલ, મહાશકિત કોક, જિંદાલ સો પાઇપ, પીસીબીએલ, બ્રિટાનિયા જેવી મોટી કંપનીઓ સાથે સાથે 50 જેટલી કંપની મુંદરામાં  સ્થાપિત થઇ ચૂકી છે. મુંદરાનું યુવાધન નોકરી-વ્યાપાર ક્ષેત્રે કદમથી કદમ મિલાવી ચાલી રહ્યું છે. મુંદરાના સદાબહાર કહેવાતા એવા રીયલ એસ્ટેટના વ્યાપારની સાથે સાથે લોજિસ્ટિક, ટ્રાન્સપોર્ટેશન, શિપિંગ સર્વિસીસ, કસ્ટમ ક્લીયરિંગ, હોટલ બિઝનેસ અને ખાણી-પીણીના વ્યાપારોમાં મુંદરાના અનેક યુવાનોએ ઝંપલાવ્યું છે અને આજે સક્ષમ રીતે પોતાના વ્યાપાર પ્રસ્થાપિત કર્યા છે. શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે પણ ઘણા યુવાનોની નોંધપાત્ર પ્રગતિ જોવા મળે છે. નોકરી ક્ષેત્રે પણ અહીંના યુવાનો પોર્ટ અને શિપિંગ સર્વિસીસમાં તથા સરકારી ક્ષેત્રોમાં પણ આગળ વધી રહ્યા છે. કચ્છના બીજા ગામો, ગુજરાત રાજ્ય અને દેશના ખૂણે ખૂણેથી અહીં નોકરી અને વ્યાપારના હેતુથી આવેલા લોકો અહીંના શાંતિપ્રિય અને ઉત્સવપ્રેમી વાતાવરણના કારણે પોતાની કર્મભૂમિ પર જ સ્થાયી થવાનું પસંદ કરી રહ્યા છે. જેમ ઓચિંતા ઘરે ઘણા બધા મહેમાનો આવે અને અવ્યવસ્થા થાય તેવી જ પરિસ્થિતિ મુંદરાની માળખાંકીય સુવિધાઓમાં અનુભવાઇ રહી છે. કેટલાક ઉદ્યોગો તરફથી રોજગારી અને શિક્ષણ ક્ષેત્રે સાથ સહકાર મળી રહ્યો છે. તો હજુ પણ ઘણી બધી કંપનીઓ પોતાના સીએસઆર ફંડને મુંદરાના વિકાસકાર્યોમાં  વાપરવામાં ઉત્સુકતા દર્શાવી રહી છે. જે ગતિથી મુંદરા વિકસી રહ્યું છે એ ભવિષ્યને ધ્યાનમાં રાખી ટાઉનપ્લાનિંગ લાવવું ખૂબ જ જરૂરી બની ગયું છે. રસ્તાઓનું વિસ્તૃતિકરણ, ગટર યોજના, પાણીની યોજના આવનારા વર્ષોને ધ્યાનમાં રાખીને કરવાં ખૂબ જ જરૂરી થઇ ગયાં છે. આજે પણ યુવાઓ માટે ફકત એક જ શાત્રી મેદાન-ક્રિકેટ?રમવા માટે ઉપલબ્ધ છે. હજુ પણ કોઇ ઇન્ડોર ગેમ્સ કે રમત-ગમત માટે સંકુલ ઉપલબ્ધ ન હોવાની ખોટ વર્તાઇ રહી છે.

Janmadin Vishesh Purti

Panchang