• રવિવાર, 24 મે, 2026

સૂચિત સોલાર પ્રોજેક્ટ સામે 11 ગામના લોકો આકરાં પાણીએ

નખત્રાણા, તા. 23 : આ તાલુકાના નાની બન્ની વિસ્તારના ફુલાય ગ્રામ પંચાયતના જૂથ ગામો ફુલાય, મોતીચૂર, વેડહાર, મોટી, છારી, પૈયા, ગેચડો, તલ, લૈયારી, તલવાંઢ, અજોરિયાવાંઢ સહિતના 11 ગામના પશુપાલક માલધારીઓ તથા જીવદયા- પર્યાવરણપ્રેમીઓ સહિત એકત્ર થઈ એનટીપીસી હિલ્ડ એનર્જી કંપની દ્વારા 4500 એકરમાં સ્થાપિત થનારા પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો. આ પ્રોજેક્ટ સ્થાપિત થવાથી અહીંના પશુપાલકોનાં પશુધન માટે ચરિયાણનો પ્રશ્ન ઊભો થયો છે. યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન છારીઢંઢ (રામસર સાઈટ) જ્યાં દેશ - વિદેશના મોટી સંખ્યામાં પર્યટકો આવે છે એવાં આ સ્થળના અસ્તિત્વ સામે ખતરો ઊભો થયો છે. પોતાનો હક્ક બચાવવા 11 જેટલા ગામોના લોકોએ કંપની સામે જંગે ચડવાની તૈયારી આદરી છે. પોલીસ બંદોદસ્ત હેઠળ યોજાયેલ સભામાં આ વિસ્તારના જાગૃત આગેવાનો પૂર્વ તા.પં. સદસ્ય હોતખાન મુતુવા, અમીજ જત, સરપંચ ફતેહબાઈ રબરખિયા, પૂર્વ સરપંચ ઈશાકભાઈ જત, સરપંચપતિ રબરખિયા જત, ઘનીભાઈ સુમરા, ઐયાન મુતુવા, સુમાર જત, ઈશાક મુતુવા, બેગમામદ મુતુવા, શૈયા ઉમર જત, અમીન કરમખાન - એડવોકેટ, આધમ જત, સફીમામદ જત, હરપાલસિંહ જાડેજા, નવુભા જાડેજા,  ઉપસરપંચ મુસાભાઈ જત સહિતના સમગ્ર નાની બન્નીના ગામેગામના માલધારી પશુપાલકોની ઉપસ્થિતિમાં વક્તાઓએ કંપનીની તજવીજ સામે અવાજ ઉઠાવતાં હાકલ કરી હતી. સ્થાનિક ધારાસભ્યને સાથે લઈ જિલ્લા કલેક્ટર-ગાંધીનગર તથા છેક દિલ્હી સુધી ગાંધીચીંધ્યા માર્ગે લડત ચલાવશું તેવી ચીમકી અપાઈ હતી. માનવીય પશુ-પક્ષી, પર્યાવરણ હક્કોને જતા નહીં કરીએ તેવી કડક ચેતવણી અપાઈ હતી. આ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રોજેક્ટનું શરૂ કરવામાં આવેલ કામ બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી સખત લડત ચલાવશું. સંચાલન - આભારવિધિ બેગમામદ મુતુવાએ કર્યા હતા. 

Panchang

dd