• શનિવાર, 21 માર્ચ, 2026

ભુજના માર્ગો પર `જય દરિયાલાલ'નો નાદ ગુંજ્યો

ભુજ, તા. 20 : અહીંના લોહાણા મહાજન દ્વારા પ્રમુખ ડો. મુકેશ ચંદેનાં અધ્યક્ષસ્થાને પૂ. દરિયાલાલ દેવની 853મી જન્મજયંતીની દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે નીકળેલી શોભાયાત્રા દરમ્યાન શહેરના માર્ગો પર `જય દરિયાલાલ'નો નાદ ગુંજી ઊઠયો હતો. મહાજનના મંત્રી કમલ કારીઆના જણાવ્યા અનુસાર ભુજના ચોકફળિયા સ્થિત દરિયાસ્થાન મંદિરે સવારે મુખ્ય યજમાન પરિવાર ગંગામાં વિશ્રામ રામદાસ ઠક્કર (મજેઠિયા) પરિવાર હસ્તે રતનશીભાઈ વિશ્રામ ઠક્કર, રતનબેન ઠક્કર, પૂજા સુરેશ ઠક્કર, ગીતા શૈલેશ ઠક્કર, મુક્તાબેન ભરતભાઈ ઠક્કર, કોમલ જગદીશ ઠક્કર, ચેતના ઠક્કર, દક્ષાબેન મુકેશભાઈ પવાણી (મસ્કત), મોંઘીબેન ભીમજીભાઈ ચંદે (ખાવડા), પરિવાર દ્વારા પૂજનવિધિ કરાઈ હતી. આચાર્યપદે દીપેનભાઈ જોષી રહ્યા હતા. આ તકે હાંડલા ગરબી મિત્ર મંડળ દ્વારા મહાજનના પ્રમુખ ડો. મુકેશભાઈનું પાઘડી પહેરાવી તથા ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી તથા સહમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ અવસરે અખિલ કચ્છ લોહાણા મહાજનના મહામંત્રી નીતિનભાઈ ઠક્કર, શંકરભાઈ સચદે, અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદે વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. સવારે દરિયાસ્થાન મંદિરેથી રઘુનાથજીના મંદિર સુધી જલયાત્રાનું પ્રસ્થાન થયું હતું. દરબાર ગઢ, હાંડલા ગરબી મંડળ તરફથી ઠંડાપીણાની વ્યવસ્થા કરાઈ હતી. યજમાન પરિવાર દ્વારા વરુણદેવનું પૂજન કરાયું હતું. ફોટો મેજિક પરિવારના સ્વ. સાધનાબેન શામજીભાઈ ઠક્કર પરિવાર દ્વારા મહાજન અને દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું. બપોરે માધાપર, મિરજાપર, સુખપર, મુંદરા રિલોકેશન સાઈટ, નરનારાયણનગર તથા સંસ્કારનગર ખાતે મહાજનના હોદ્દેદારોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. સાંજે મહાજનના ઉપપ્રમુખ હરેશભાઈ કરસનદાસ કતિરા તથા ખજાનચી હિતેશ ઠક્કર, સહમંત્રી અલ્પેશ ચંદે, ડો. પ્રફુલ્લાબેન કોટક, મહિલા આશ્રમ પ્રમુખ ચેતન ઠક્કર, યુવા મંડળના પ્રમુખ નીલ સચદેની આગેવાની હેઠળ શોભાયાત્રા (રવાડી)નું પ્રસ્થાન દરિયાલાલ દેવનું રથ ખેંચીને દરિયાસ્થાન મંદિરેથી કરાયું હતું, જે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. માર્ગો પર દૂધ, છાશ, કુલ્ફી-કોલ્ડ્રીંક્સ તથા અલ્પાહારની વ્યવસ્થા ગેરવાળી વંડી ગરબી મંડળ, ઉમેદનગર, વાગડ રઘુવંશી પરિવાર, યુવા મંડળ દ્વારા કરાઈ હતી. શોભાયાત્રામાં લોહાણા મહિલા મંડળના પ્રમુખ પલ્લવીબેન ઠક્કર તથા અન્ય હોદ્દેદારોની આગેવાની હેઠળ કળશધારી બાલિકા, વેશભૂષા હરીફાઈનું આયોજન કરાયું હતું. સાંજે શેઠ નાનજી સુંદરજી સેજપાલ લોહાણા મહાજન વાડી, મહિલા આશ્રમ, શેઠ રસિકલાલ કરસનદાસ કતિરા પાર્ટી પ્લોટ ખાતે સમૂહપ્રસાદનું આયોજન કરાયું હતું, જેમાં ભુજ શહેર પંચકોશી વિસ્તારના જ્ઞાતિજનો, સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિજનો સહિત અંદાજિત 12 હજારથી વધુ લોકોએ ભોજન-પ્રસાદનો લાભ લીધો હતો. રાત્રે યુવા કલાકાર મયૂર દવે તથા તેમની ટીમના સંગાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. પેડીફંડ અને છકડીની વ્યવસ્થામાં વડીલો તથા ભાઈ-બહેનોએ સેવા આપી હતી.  સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મહાજનના પ્રમુખની આગેવાની હેઠળ કારોબારી સભ્યો, મહિલા મંડળ યુવા મંડળ, જ્ઞાતિની વિવિધ સંલગ્ન સંસ્થાઓએ જહેમત ઉઠાવી હતી. દરિયાલાલ જયંતીના દિવસે મહાજનમાં છેલ્લા ઘણા વર્ષોથી વિનામૂલ્યે પ્રસાદ બનાવવાની સેવા આપતા જીતુભાઈ ઠક્કર (જિજ્ઞા રેસ્ટોરન્ટ)નું વિશેષ સન્માન કરાયું હતું. 

Panchang

dd