• મંગળવાર, 25 જૂન, 2024

વંટોળિયા વાયરાએ કચ્છ પર સર્જ્યું ધૂળિયું આવરણ

ભુજ, તા. 3 :પશ્ચિમી વિક્ષોભ અને રાજસ્થાન તેમજ પાકિસ્તાન પર સર્જાયેલા સાયકલોનિક સર્ક્યુલેશનની અસર તળે કચ્છના વાતાવરણમાં છેલ્લા બે દિવસથી પલ્ટો જોવા મળી રહ્યો છે. સોમવારે અંજાર-ગાંધીધામ વિસ્તારમાં વરસાદે તોફાની અંદાજમાં પોતાની હાજરી પૂરાવી હતી, તો મંગળવારે  સવારે જિલ્લાના અનેક વિસ્તારોમાં ફૂંકાયેલા વંટોળિયા વાયરાએ ધૂળિયું આવરણ સર્જી દીધું હતું. હવામાન વિભાગે હજુ એક દિવસ તીવ્ર ગતિએ પવન ફૂંકાવા સાથે હળવો મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરી છે. જિલ્લા મથક ભુજમાં સવારે દસ વાગ્યાની આસપાસ એકાએક તીવ્ર ગતિએ પવન ફૂંકાવાનું શરૂ થતાં ધૂળની ડમરી ઉડવા લાગતાં આકાશ પર રજાવરણ છવાઇ ગયું હતું. એકાએક પવન ફૂંકાવાનું શરૂ થતાં વાહનચાલકો અને રાહદારીઓને થોડા સમય માટે થંભી જવાની ફરજ પડી હતી. ભારે પવનના લીધે વૃક્ષ ધરાશાયી થતાં જિલ્લા સમાહર્તાના ઘરની દિવાલને નુકસાન પહોંચ્યું હતું. હમીરસર તળાવ આ રજાવરણમાં થોડા સમય માટે ઢંકાઇ ગયું હતું. મુંદરાના અહેવાલ અનુસાર સવારે વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં જોરદાર પવન ફૂંકાયો હતો અને ધૂળની  ડમરીઓ ઉડતા ધોળા દિવસે વાહનોની લાઇટ ચાલુ કરવી પડી હતી. અદાણી વિલ્માર કોલોની વસાહતમાં મકાનોના છાપરા ઉડયા હતા તથા અદાણી પોર્ટ વિસ્તાર, બારોઇ રોડ પર પવનની ઝડપ તીવ્ર હતી. ગુંગળાયેલ વાતાવરણ થોડો સમય ચાલ્યું હતું. જોકે, બપોર બાદ પવનની ઝડપ ઘટી તડકો નીકળતાં ભારે ગરમી જોવા મળી હતી. ધ્રબથી પૂર્વ સરપંચ સુલતાનભાઇ તુર્કના જણાવ્યા અનુસાર થોડીવાર માટે ધ્રબ ગામની પણ આજ હાલત હતી. જો વધારે વાર પવન રહ્યો હોત તો નુકસાની થાત. અમારા પ્રતિનિધિ વાંકીથી સામજી ડુડિયાએ પણ વાંકીમાં પવન સાથે ધૂળની ડમરીઓના કારણે નજીકના વ્યક્તિ જોવામાં તકલીફ થતી હતી જે પવન માત્ર 10 મિનિટ હોવાનું જણાવ્યું હતું. નખત્રાણા અને પાવરપટ્ટી વિસ્તારમાં  પણ પવનનું જોર જોવા મળ્યું હતું. નલિયામાં 37.5, ભુજમાં 36.9, કંડલા એરપોર્ટમાં 36.2 અને કંડલા પોર્ટમાં 36 ડિગ્રીએ આકરા તાપમાં રાહત જોવા મળી પણ બફારાથી લોકો અકળાઇ ઊઠયા હતા. સવારના સમયે વંટોળિયો વાયરો ફૂંકાયો તેને બાદ કરતાં આખો દિવસ ધૂપ-છાંવના માહોલમાં ક્યાંયથી વરસાદ વરસ્યો હોય તેવા અહેવાલ સાંપડયા નહોતા. જે સમયે તીવ્ર ગતિએ  વાયરો ફૂંકાયો ત્યારે પવનની ગતિ વધીને 20થી 25 કિલોમીટર સુધી પહોંચી ગઇ?હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang