• ગુરુવાર, 25 એપ્રિલ, 2024

નાની ઉંમરે હૃદયરોગનું એક કારણ તમાકુ

ભુજ, તા. 30 : ધૂમ્રપાન સહિતના તમાકુના સેવનના વ્યસનની મજા મોતની સજામાં પરિણમતી હોવાનું જાણવા છતાં યુવાવર્ગ ફેશન માટે ગુટકા, સિગારેટ, હુક્કા, ચલમ અપનાવી રહ્યા છે. નિકોટિનના કારણે હૃદયના સ્નાયુઓને શુદ્ધ લોહી પૂરું પાડતી?ધમનીઓની દીવાલ સંકોચાય જેથી નાની ઉંમરમાં હૃદયરોગના હુમલા આવવાના બનાવો વધી રહ્યા છે. ધૂમ્રપાન થકી ફેફસાંને ઓક્સિજન તેમજ શુદ્ધ લોહી મળવાનું બંધ થાય છે. હાથ અને પગની ધમનીની દીવાલો સંકોચાઇ જતાં લાંબાગાળે હાથ અને પગના નખ કાળા પડી જાય છે. ગ્રેગરીન થઇ ભવિષ્યમાં આંગળાં કપાવવાની પણ જરૂર પડી શકે છે. નિકોટિન સાથે અમુક કેમિકલ ભળેલાં હોય છે, જે કેન્સર ઉત્પન્ન કરવાની શક્તિ ધરાવે છે, જેને `કાર્સિનોઝન્સ' કહેવાય છે. તમાકુને મોઢામાં ચાવવા કે ભરી રાખવાથી મોઢાનું, ગળાનું તેમજ ચામડીનું કેન્સર જ્યારે ધૂમ્રપાનથી ફેફસાંનું કેન્સર થઇ શકે છે. વૈજ્ઞાનિક રીતે એવું સાબિત થયું છે કે મગજમાં અને જ્ઞાનતંતુમાં નિકોટિનના રિસેપ્ટર્સ આવેલા હોય છે, જેની સંખ્યા દરેક મનુષ્યમાં અલગ અલગ હોય છે. નાનપણથી કોઇ પણ સ્વરૂપમાં તમાકુ-નિકોટિનનું તત્ત્વ ગ્રહણ કરનારાના મગજ અને ચેતાતંત્રમાં આવેલા નિકોટિનના રિસેપ્ટર્સ સંતૃપ્ત થાય તે માટે તેમને તમાકુ લેવાની આદત પડી જાય છે. આવા વ્યસની તમાકુ ન લે તો પોતાની જાતને અલગ જ પ્રકારની વ્યક્તિની અનુભૂતિ કરે છે અને તેમને તમાકુ લેવું જ પડે છે. આવા વ્યસનીઓની તમાકુની લત છોડાવવા માટે સરકાર માનસિક આરોગ્ય અને નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ ચલાવે છે. આ એન.એમ.એચ.પી.ના સિવિલ સર્જનના હોદ્દાની રૂએ ડો. કશ્યપભાઇ બૂચ જણાવે છે કે તમાકુના બંધાણીઓને કુટેવ છોડાવવા નિયમિત રીતે જનજાગૃતિના કાર્યક્રમો યોજે છે તેમજ ડી-એડિકશન સેન્ટર ચલાવાઇ?રહ્યા છે, જેના ભાગરૂપે બહારના દર્દીઓ અથવા ઇન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી તમાકુના વ્યસનમાંથી છોડાવવામાં આવે છે. કચ્છમાં તમાકુની વિવિધ બનાવટના છૂટક વેચાણ કરનારા તો ગામેગામ ઠેર ઠેર સહેજે નજરે પડે છે, તેમને પુરવઠો પૂરો પાડતા ભુજ, ગાંધીધામ, અંજાર, આદિપુર, માંડવી, મુંદરા, સામખિયાળી સહિતના નગરોમાં જથ્થાબંધ વેપારીઓ પાસે મોટાભાગે ખરીદનારાની સારી એવી સંખ્યા નજરે પડતી હોય છે. ચલમ, ભૂંગળી, હુક્કા હજી ચલણમાં ચલમ, ભૂંગળી, હુક્કા, પાઇપ જેવા પરંપરાગત તમાકુ વ્યસનના સાધનો વપરાશ કરનારો વર્ગ ઘટયો હતો પણ ફરી યુવાઓમાં ક્રેઝ વધી રહ્યો હોવાનું નામ ન આપવાનું જણાવી તમાકુના વેપારીએ જણાવ્યું હતું. અલબત્ત, કચ્છમાં જથ્થાબંધ-છૂટક તમાકુ વેચતી દુકાનો ઘટી ગઇ છે. ખેડા અને ઉત્તર ગુજરાતમાં ઉત્પાદિત તમાકુ આવે છે. હુક્કા રાજસ્થાનથી મંગાવાય છે. હુક્કામાં ગોળ બનાવતાં વધતો રસ-કચરો જે મોલેસીસ કહેવાય તેમાં સિગારેટ બનાવતી કંપનીનો બિનઉપયોગી તમાકુ ભેળવીને કસ ખેંચવામાં આવે. સિગારેટની આવી વધેલી તમાકુ મોળી-સુગંધ વિનાની સાદી હોય છે જેનું વેચાણ કિલોના 200થી 500 રૂપિયા થાય છે. દેશી બીડીના કારીગરો ઘટયા અગાઉ ભુજમાં દેશી બીડી બનાવનારા કારીગરો ઘણા હતા. હવે કેટલા તેવું દેશી બીડી વેચનારાને પૂછતાં તેમણે જણાવ્યું કે, એકલ દોકલ છે. માંડવી, અંજાર, મુંદરા, નલિયામાં ખરા. મોટાભાગની કંપનીની બીડીની ઝૂડીમાં 25 બીડી આવે જેની કિંમત રૂા. 25 છે. જ્યારે દેશી બીડીની ઝૂડીમાં 20 બીડી આવે જેની કિંમત રૂા. 10 છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang