મુસા સુમરા દ્વારા : સુમરાપોર (તા ભુજ), તા. 20 : સરહદી પચ્છમ
વિસ્તારમાં ઊંટ ઉછેરક માલધારી સહકારી મંડળીના સભ્યોની મિટિંગ તુગા ગામે મળી હતી, જેમાં ઊંટ ઉછેરક માલધારી સહકારી મંડળીના પ્રમુખ
જબારભાઇ સમા તેમજ મંડળીના સભ્યોએ હાજર રહી આ વર્ગને સતાવતી અનેક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા
કરી હતી. વધુમાં આ વિસ્તારમાં ઊંટની સતત ઘટતી સંખ્યા અંગે ચિંતા વ્યક્ત કરાઇ હતી. મંડળીના
પ્રમુખ જબારભાઇ સમાએ જણાવ્યું હતું કે, આ વર્ગના પચ્છમ વિસ્તારના
ઊંટ ઉછેરક પાલકોની આજીવિકા વધુ મજબૂત થાય અને ઊંટડીનાં દૂધની માર્કેટ ઊભી થાય તે ખૂબ જરૂરી બની ગયું છે. આવનારા સમયમાં ઊંટ ઉછેરકના
વિવિધ પ્રશ્નો પડતર હોવાથી તેની તંત્ર સમક્ષ રજૂઆત કરવા અને ચરિયાણ તેમજ ઊંટનાં આરોગ્ય વિષય પર કામગીરી કરવા
ચર્ચા વિચારણા કરી હતી. પચ્છમ વિસ્તારમાં ઊંટની સંધી જાતની નસલો ખૂબ જ પ્રખ્યાત છે.
આ રણનાં વહાણ તરીકે ઓળખાતા ઊંટના શણગાર તેમજ તાલીમબદ્ધ ઊંટ જોવા મળે છે જે ઊંટ માલિકના
બોલવાના વાણી વર્તન પર તાલીમ મેળવેલી છે,
પણ એક જમાનો હતો કે પચ્છમ પંથકમાં ઊંટોનાં ટોળેટોળાં મોટી સંખ્યામાં
જોવા મળતાં, જે સંધી સમા સમાજ હોય કે સુમરા સમાજ, સોઢા, રાજપૂત, નોડે, ભિયા, ખત્રી, અ.જા., રાયમા, હિંગોરજા, ચાકી,
કુંભાર, લોહાણા વગેરે સમાજોમાં મોટેપાયે ઊંટ ઉછેરક
પાલકો હતા, પણ સમય-સંજોગોવસાત આ ઊંટની સંખ્યા ધીરે-ધીરે ઘટી રહી
છે. હવે આવા ઊંટના ભાગિયા ખૂબ જ ઓછા છે. આને ટકાવી રાખવા પચ્છમવાસીઓ માટે આજના સમયમાં
મોટો પડકાર છે. હવે માત્ર પચ્છમમાં 12 જ સમુદાયનાં ટોળાં અને 475 ઊંટ, ઊંટડીની સંખ્યા
બચી છે. થોડાક સમય પહેલાં 3000ની સંખ્યામાં પચ્છમમાં ઊંટ વિચરતા હતા, તેમાં હવે 475 જ ઊંટ હાલે આ પંથકમાં છે, જે ઘટતી સંખ્યા ચિંતાનો વિષય છે.આ ઊંટો સાથે
સમુદાયને સતત રખડતું-ભટકતું જીવન જીવવું પડે છે તેમજ આ વર્ગને અનેક સમસ્યાઓ સતત સતાવતી
હોય છે, તેવું પ્રમુખ જબારભાઇ સમાએ જણાવ્યું હતું.