ભુજ, તા. 20 : ભુજ બ્લોગર્સ અને જાગૃત નાગરિકો
દ્વારા ભુજના હૃદયસમા હમીરસર તળાવને સાફ રાખવાના હેતુથી રવિવારની રજાનો સદુપયોગ કરીને
સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું, જેમાં
પ્લાસ્ટિક સહિતનો એક ટનથી વધુ કચરો એકત્ર કરાયો હતો અને તેનો નિકાલ કરાયો હતો. એકતરફ
ભારત સરકાર દ્વારા સફાઇ અભિયાનની ઝુંબેશ ચાલી રહી છે, પરંતુ છેલ્લા
ઘણા સમયથી કચ્છીઓની લાગણીના પ્રતીક સમાન હમીરસર તળાવમાં ગંદકી જોવા મળી રહી છે,
ત્યારે શહેરને સ્વચ્છ રાખવા અપીલ કરવામાં આવી છે. આ સ્વચ્છતા અભિયાન
હેઠળ સક્રિય પ્રયાસના ભાગરૂપે ભુજ બ્લોગર્સ દ્વારા હમીરસર તળાવને ગંદકીમુક્ત કરવા સોશિયલ
મીડિયા દ્વારા ભુજના યુવાનોને જોડાવા આહ્વાન કરાયું હતું અને રવિવારની વહેલી સવારે
હમીરસર તળાવ ખાતે યુવાનોએ મળીને સફાઇ કામગીરી હાથ ધરીને ત્રણ કલાકની મહેનત બાદ એક ટન
(1000 કિલો)થી પણ વધુ કચરો એકત્ર
કર્યો હતો જેમાં મુખ્યત્વે પ્લાસ્ટિક, ધાર્મિક વસ્તુઓ જેવી કે ચુંદડી, મૂર્તિ, નાળિયેર વિ. જોવા મળ્યા હતા. 30 જેટલા યુવાનો આ સફાઇ સેવાયજ્ઞમાં જોડાયા હતા. આ અંતર્ગત પ્લાસ્ટિક
બોટલ અને નાળિયેરને ભુજના આર.આર.આર. સેન્ટરમાં એકત્ર કરી તેને રિસાઇકલ કરવામાં આવશે
અને અન્ય તમામ કચરાને એકત્ર કરી તેને ડમ્પિંગ સાઇટ પર પહોંચાડવા માટે ભુજ નગરપાલિકા
દ્વારા ટ્રેક્ટરની સુવિધા કરાઇ હોવાનું જણાવાયું હતું. આ અવસરે પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાના
સંદેશ સાથે રિ-યુઝેબલ થેલીનું વિતરણ કરાયું હતું. `મારું ભુજ મારી જવાબદારી'
એ ઉદ્દેશ સાથે ભુજ બ્લોગર્સ અને સાથી કાર્યકરો દ્વારા જાગૃત થઇ કચરો
ન કરવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઇ હતી. માત્ર હમીરસર જ નહીં પરંતુ અન્ય
સ્થળોએ પણ મન ફાવે ત્યાં કચરો ન નાખવા અને શહેર, ગામડું તથા પ્રવાસન
સ્થળોને સ્વચ્છ રાખવા સંદેશ અપાયો હતો. ભુજ બ્લોગર્સ ટીમ તથા સંસ્થાના સહયોગીઓએ તળાવને સ્વચ્છ રાખવા અને
આવી બીજી સ્વચ્છતા ડ્રાઇવમાં જોડાવા અપીલ કરી હતી.