• બુધવાર, 24 એપ્રિલ, 2024

વાહ રે કચ્છડે જો પાણી; ધો. 12માં ગુજરાતમાં ડંકો

ભુજ, તા. 31 : ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી બારમાં ધોરણની સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ `અસામાન્ય' આવ્યું છે. કચ્છ જિલ્લાના 84.59 ટકા વિદ્યાર્થીઓ સફલ થતાં કુલ્લ 33 જિલ્લામાંથી આપણા કચ્છે સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવીને ડંકો વગાડી દીધો છે. શિક્ષણ બોર્ડે બુધવારે જાહેર કરેલા પરિણામના આંકડા પર નજર કરીએ તો કચ્છને રાજ્ય કરતાં 11.32 ટકા વધુ સફળતા મળી છે. બીજી તરફ, 2022નાં વિતેલાં સાત વર્ષનાં ઊંચા પરિણામની તૂલનાએ 6.65 ટકા નીચું આવ્યું છે. સમગ્ર રાજ્યના 1875માંથી કચ્છના 45 છાત્રોએ એ-વન ગ્રેડમાં સ્થાન પામવાની વિરલ સિદ્ધિ મેળવી છે. જિલ્લાનાં કુલ્લ 11 કેન્દ્ર પરથી લેવાયેલી પરીક્ષામાં ત્રણ સ્થાનની છલાંગ લગાવીને 90.97 ટકા સફળતા સાથે મુંદરા કેન્દ્ર મોખરે રહ્યું છે. આ કેન્દ્રના 742માંથી 675 છાત્ર સફળ થયા છે. ખાસ ઉલ્લેખનીય કરવા જેવી હકીકત તો એ છે કે, કુલ્લ 11માંથી નવ કેન્દ્રનું પરિણામ 80 ટકા કરતાં વધારે આવ્યું છે. કચ્છનાં સાત મુખ્ય અને ચાર પેટા મળીને કુલ્લ 11 કેન્દ્ર પરથી પરીક્ષા આપનારા કુલ્લ 12339માંથી 10,437 પરીક્ષાર્થી પ્રમાણપત્ર પ્રાપ્ત કરવામાં સફળ થયા છે. વિતેલા વરસે મોખરે રહેલાં માંડવી કેન્દ્રને આ વખતે 88.70 ટકા સાથે બીજું સ્થાન મળ્યું છે. આ કેન્દ્રના 1619માંથી 1436 છાત્ર સફળ થયા છે. ટોચનાં પાંચ કેન્દ્રમાં ભચાઉ સિવાય પૂર્વ કચ્છના એક પણ કેન્દ્રએ હાજરી પુરાવી નથી. ગાંધીધામ કેન્દ્રનું પરિણામ ઘટયું છે. ત્રણ સ્થાનની પ્રગતિ કરતાં ત્રીજાં સ્થાને રહેલાં ભચાઉ કેન્દ્રના 919માંથી 792 એટલે  કે, 86.18 ટકા છાત્ર સફળ થયા છે, તો 86.17 ટકા સફળતા સાથે ચોથું સ્થાન મેળવીને પાંચ સ્થાનની છલાંગ લગાવનાર ભુજ કેન્દ્રના 3117માંથી 2686 છાત્રને સફળતા સાંપડી છે. પશ્ચિમ કચ્છનાં મુખ્ય મથક એવાં નખત્રાણા કેન્દ્રના 792માંથી 672 છાત્ર સફળ થતાં આ કેન્દ્રએ 84.85 ટકા સાથે પાંચમું સ્થાન મેળવ્યું છે. ટકાવારી ઘટી હોવા છતાં વિતેલાં વરસે આઠમા સ્થાને રહેલું અંજાર કેન્દ્ર આ વખતે 83.54 ટકા સફળતા સાથે છઠ્ઠા સ્થાને પહોંચ્યું છે. રાપર 83.13 ટકા સાથે સાતમા, નલિયા 81.49 ટકા સાથે આઠમા, આદિપુર 80.55 ટકા સાથે નવમા સ્થાને છે. છેલ્લા બે કેન્દ્રનું ગાંધીધામ (78.50 ટકા), પાનધ્રો (78.34 ટકા)નું 80 ટકાથી ઓછું પરિણામ રહ્યું છે. - ગુજરાતના 73 ટકા છાત્ર સફળ : અમદાવાદ, તા. 31 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ  73.27 ટકા જાહેર થયું છે. આ વર્ષનું પરિણામ ગત વર્ષ કરતાં 13.64 ટકા ઓછું જાહેર થયું છે. વર્ષ 2022માં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 86.12 ટકા પરિણામ આવ્યું હતું. આ વર્ષે સૌથી વધુ  પરિણામ કચ્છનું 84.59 ટકા સામે આવ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ દાહોદ જિલ્લાનું 54.67 ટકા જાહેર થયું છે. કેન્દ્રની દ્રષ્ટિએ જોઇએ તો, સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ધ્રાંગધ્રા 95.85 ટકા સાથે પ્રથમ નંબરે છે. જ્યારે સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર 36.28 ટકા સાથે દેવગઢબારિયાનું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4.77 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી. જેનું પરિણામ આજે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર સવારે 7:30 વાગ્યે જાહેર કરાયું હતું. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 442 કેન્દ્રો પર લેવામાં આવી હતી. વર્ષ 2023ની પરીક્ષા માટે 4,79,298 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 4,77,392 ઉમેદવારો પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં 3,49,792 ઉત્તીર્ણ થયા છે. એટલે કે ગુજરાત રાજ્યમાં 73.27 % પરિણામ નોંધાયું છે. આ સિવાય 2023માં પુનરાવર્તીત પરીક્ષા આપનારા 29,974 વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જેમાંથી 28,321 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં 11,205 ઉમેદવારો પાસ થયા છે, એટલે કે, પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 39.56 ટકા નોંધાયું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના આ વર્ષના પરિણામમાં છોકરાઓને પછાડીને છોકરીઓ આગળ નીકળી ગઈ છે. આ વર્ષે છોકરાઓનું પરિણામ 67.03 ટકા, જ્યારે છોકરીઓનું પરિણામ 80.39 ટકા પરિણામ આવ્યું છે. એટલે કે છોકરાઓ કરતાં છોકરીઓ 13.36 ટકા આગળ નીકળી ગઈ છે. ગુજરાતી માધ્યમનું પરિણામ 72.83 ટકા, જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ 79.16 ટકા આવ્યું છે. જો વાત કરીએ 100 ટકા પરિણામ ધરાવતી શાળાની તો 2022ની તુલનામાં આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતી શાળાની સંખ્યા ઘટી છે. 2022માં 1064 શાળાઓ 100 ટકા પરિણામ ધરાવતી શાળા નોંધાઈ હતી, જ્યારે આ વર્ષે માત્ર 311 શાળા નોંધાઈ છે. ગત વર્ષે 10 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળા માત્ર 1 હતી, જ્યારે આ વર્ષે આ સંખ્યા 44 થઈ છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 4,77,392 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી એ-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1895 નોંધાઈ છે, જ્યારે એ-2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 21,038 નોંધાઈ છે. તો બી-1 -52,291, બી-2- 83,596, સી-1 1,01,797, સી-2 -77 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વર્ષે રાજ્યમાં 357 ગેરરીતિના કેસ નોંધાયા હતા. જે 2022માં ગેરરીતિના 2544 કેસ નોંધાયા હતા. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સાથે જેલના કેદીઓએ પણ પરીક્ષા આપી હતી. જેલના કેદીઓ માટે જેલની અંદર જ પરીક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વર્ષે કુલ 56 કેદીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 22 કેદી પરીક્ષામાં પાસ થયા છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang