• શુક્રવાર, 09 મે, 2025

`વિપક્ષો કહે છે, આ અમારો વિજય'

નવી દિલ્હી, તા. 30 : જાતિ જનગણનાનો ફેંસલો કરીને કેન્દ્ર સરકારે રાજકીય હલચલ મચાવી દીધી છે. વિપક્ષ દ્વારા સતત જેની માગણી કરવામાં આવી રહી હતી તે નિર્ણય લઇને બિહારની વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપનાં નેતૃત્વની એનડીએ સરકારે વિપક્ષનાં મુદ્દાને જ આંચકી લીધા જેવો તાલ રચાયો છે. જેને પગલે કોંગ્રેસ સહિતનાં વિપક્ષી દળોની પ્રતિક્રિયાઓ આવી હતી. વિપક્ષોએ આ નિર્ણયને પોતાની જીત ગણાવી હતી. કોંગ્રેસનું કહેવું છે કે, જો સરકારે રાહુલ ગાંધીની માગણી માનવી જ હતી તો અત્યાર સુધી વિરોધ  કેમ કરવામાં આવ્યો હતો? તેજસ્વી યાદવે આને 30 વર્ષ જૂની માગણી મુદ્દે જીત ગણાવી હતી. રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, તેમનાં દૃષ્ટિકોણને સરકારે અનુમોદન આપી દીધું છે અને કોંગ્રેસ  સરકારનાં આ પગલાને સમર્થન કરે છે. તેલંગણ જાતિ જનગણના માટે મોડેલ બની શકે તેમ છે. આ અમારી માગણી હતી. જેનો અત્યાર સુધી વિરોધ કરવામાં આવતો હતો. હવે સરકારે આ સારો નિર્ણય કર્યા બાદ તેનાં માટે બજેટમાં ભંડોળ ફાળવવું જોઈએ અને આનાં માટે સમયમર્યાદા પણ સરકારે કહેવી જોઈએ કે આ કામગીરી ક્યાં સુધીમાં થશે?આ ઉપરાંત અનામતની પ0 ટકાની મર્યાદા પણ હટાવવાની માગણી રાહુલે કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં જાતિગત વસતી ગણતરી અંગે કેન્દ્ર સરકારના નિર્ણયની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, મોદી સરકારે સામાજિક ન્યાય અને દરેક વર્ગ માટે અધિકારો પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતાનો સંદેશ આપતો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ દરમિયાન તેમણે વિપક્ષ પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ અને તેના તમામ સાથી પક્ષોએ દાયકાઓ સુધી દેશમાં સત્તામાં રહીને જાતિ વસતી ગણતરીનો વિરોધ કર્યો હતો અને વિપક્ષમાં રહીને આ મુદ્દા પર ઘણું રાજકારણ કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આગામી વસતી ગણતરીમાં જાતિ ગણતરી કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય પગલું ગણાવતાં કહ્યું હતું કે, શક્ય તેટલી વહેલી તકે બજેટ જોગવાઈ કરીને વસતી ગણતરી અને જાતિ ગણતરીનું કામ સંપૂર્ણ પારદર્શિતા સાથે શરૂ કરવું જોઈએ. ખડગેએ એવો પણ દાવો કર્યો હતો કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક ન્યાયની આ નીતિને લાગુ કરવાનું વારંવાર ટાળ્યું છે અને વિપક્ષ પર સમાજને વિભાજિત કરવાનો ખોટો આરોપ લગાવ્યો છે. અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા જાતિ વસ્તી ગણતરીના નિર્ણયને પીડીએ અને ઈન્ડિયા જોડાણની જીત ગણાવી હતી. અમારા બધાના સંયુક્ત દબાણને કારણે ભાજપ સરકારને આ નિર્ણય લેવાની ફરજ પડી છે. ઉપરાંત, ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધતા, તેમણે ચૂંટણીમાં ગોટાળા સામે ચેતવણી આપી હતી. કોંગ્રેસનાં પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે, સરકાર તો રાહુલ ગાંધી ઉપર સમાજને જાતિઓમાં વિભાજિત કરવાનો આરોપ લગાવતી હતી. તો શું હવે સરકાર પણ આવા જ ભાગલા પાડશે? જો રાહુલની વાત માનવી જ હતી તો પછી અત્યાર સુધી વિરોધ શા માટે કર્યો? કેન્દ્રનાં નિર્ણય ઉપર રાજદનાં પ્રમુખ લાલુપ્રસાદ યાદવની પ્રતિક્રિયા પણ આવી હતી. તેમણે કહ્યું હતું કે, અમે સમાજવાદીઓ અનામત, જાતિ ગણતરી, સમાનતા, બંધુત્વ, ધર્મનિરપેક્ષતા વગેરે વિશે 30 વર્ષ પહેલા વિચારીએ છીએ અને અન્ય તેને દાયકાઓ પછી પણ અનુસરે છે. તો તેજસ્વી યાદવે કહ્યું હતું કે, આ અમારી, સમાજવાદીઓ અને રાજદની જીત છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd