નવી દિલ્હી, તા. 22 : કાશ્મીરમાં
પર્યટકોને નિશાન બનાવીને થયેલા મોટા આતંકી હુમલાનાં ઘેરા પડઘા પડયા છે. સાઉદી અરબના
બેદિવસીય પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંથી પણ સતત સ્થિતિ ઉપર નજર રાખી
રહ્યા છે. તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન ઉપર વાત કરીને તાત્કાલિક નક્કર કાર્યવાહી
સુનિશ્ચિત કરવા અને ઘટનાસ્થળની મુલાકાત લેવાની સૂચના પણ આપી હતી. વડાપ્રધાન મોદીએ આ
હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે, કોઈને છોડાશે નહીં અને આતંકીઓનો નાપાક એજન્ડા સફળ નહીં થવા દેવાય. અમિત શાહે
દિલ્હીમાં આ ઘટના સબબ એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. જેમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહા,
મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, સીઆરપીએફ ડીજી,
કાશ્મીર ડીજીપી અને સેનાનાં અધિકારીઓ પણ વીડિયો કોન્ફરન્સથી જોડાયા હતા.
આ બેઠક બાદ સાંજે વડાપ્રધાનની સૂચના અનુસાર શાહ કાશ્મીરની મુલાકાતે રવાના થઈ ગયા હતા.
આ બેઠક બાદ શાહે કહ્યું હતું કે, કોઈ પણ આતંકીને બક્ષવામાં નહીં
આવે. અમિત શાહે કાશ્મીર જતાં પહેલા સોશિયલ મીડિયા ઉપર પ્રતિક્રિયા આપતાં લખ્યું હતું
કે, પહલગામમાં પ્રવાસીઓ ઉપર થયેલા હુમલાથી દુ:ખી છું. મારી સંવેદના
મૃતકોનાં પરિવાર સાથે છે. આ જઘન્ય આતંકી હુમલામાં સામેલ કોઈને પણ છોડાશે નહીં. વડાપ્રધાન
મોદીએ આ હુમલાની નિંદા કરવા સાથે દુ:ખ પ્રગટ કર્યું હતું. તેમણે પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં
કહ્યું હતું કે, જે લોકોએ પોતાના પ્રિયજન ગુમાવ્યા છે તેમનાં
પ્રત્યે સંવેદના છે. ઘાયલો જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના. પીડિતોને શક્ય તમામ સહાયતા
આપવામાં આવી રહી છે. વડાપ્રધાને આગળ લખ્યું હતું કે, આ જઘન્ય
કૃત્યુ પાછળ જે કોઈ પણ છે તેને ન્યાયનાં કઠેડામાં લાવવામાં આવશે. બખ્શવામાં નહીં આવે.
તેનો નાપાક એજન્ડા ક્યારેય સફળ નહીં થાય. આતંકવાદ સામે લડવાનો અમારો દૃઢ સંકલ્પ છે
અને તે વધુ મજબૂત થશે.