• બુધવાર, 23 ઑક્ટોબર, 2024

મહિલાઓને તલાક પછીયે ભરણપોષણનો હક્ક

નવી દિલ્હી, તા. 10 : સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં કહ્યું કે, તલાક લીધા બાદ પણ મુસ્લિમ મહિલા કાયદાની કલમ 125 હેઠળ તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવવા માટે હક્કદાર છે. મહિલા આ માટે અરજી કરી શકે છે. જસ્ટિસ બી.બી. નાગરત્ના અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે મુસ્લિમ યુવકની અરજીને ફગાવી દેતાં આ આદેશ આપ્યો હતો. તેમણે નિરીક્ષણ આપ્યું કે, ગુજરાન ચલાવવા માટે ભરણપોષણ એ દાન નથી, પણ મહિલાઓનો હક્ક છે. હવે સમય આવી ગયો છે કે, ભારતીય પુરુષો પરિવાર માટે ગૃહિણીની ભૂમિકા અને તેના ત્યાગને ઓળખે. જસ્ટિસ નાગરત્નાએ કહ્યું, અમે અપીલને એ નિષ્કર્ષ સાથે ફગાવી રહ્યા છીએ કે, કાયદાની કલમ 125 માત્ર પરિણીત મહિલાઓને જ નહીં, પરંતુ તમામ મહિલાઓને લાગુ પડશે. બેન્ચે પૂછ્યું કે, શું અરજદારે ઇદ્દતના સમયગાળા દરમ્યાન પત્નીને કંઈ ચૂકવ્યું હતું? તેના પર અરજીકર્તાએ કહ્યું, 15,000 રૂપિયાનો ડ્રાફ્ટ ઓફર કરવામાં આવ્યો હતો, પરંતુ પત્નીએ લીધો ન હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, મુસ્લિમ મહિલાઓ તેમના પતિ પાસેથી ભરણપોષણના કાયદાકીય અધિકારનો ઉપયોગ કરી શકે છે. તે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 125 હેઠળ આનાથી સંબંધિત પગલાં લઈ શકે છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, મહિલાઓને પોતાના ભરણપોષણનો અધિકાર છે. આવા અધિકારો સમક્ષ ધર્મ ન આવવો જોઈએ. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમ્યાન કહ્યું કે, આ કલમ તમામ પરિણીત મહિલાઓને લાગુ પડે છે. ભલે તેમનો ધર્મ ગમે તે હોય, તેથી મુસ્લિમ મહિલાઓ પણ આમાં આવે છે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે, હવે પુરુષ પોતાની હાઉસવાઈફ માટે પોતાની સાથે એક સંયુક્ત ખાતું ખોલાવે અને સાથે જ પત્નીને એક એટીએમ કાર્ડ અપાવીને તેની નાણાકીય જરૂરિયાતોમાં મદદ પણ કરે. મુસ્લિમ મહિલાઓના ભરણપોષણના કાયદાકીય અધિકાર પર સુનાવણી દરમ્યાન કોર્ટે કહ્યું કે, હવે સમય આવી ગયો છે કે, ભારતીય પુરુષોએ પરિવાર માટે ગૃહિણીની ભૂમિકા અને તેના ત્યાગને ઓળખવું જોઈએ. એક મુસ્લિમ શખ્સે પોતાની પૂર્વ પત્નીને 10 હજાર રૂપિયા ગુજરાન પેટે ચૂકવવાનો હૈદરાબાદ હાઇકોર્ટનો વચગાળાનો હુકમ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. તેની દલીલ હતી કે મુસ્લિમ મહિલા (વિવાહ વિચ્છેદ અધિકાર સંરક્ષણ) અધિનિયમ 1986 અનુસાર તલાકશુદા મુસ્લિમ મહિલા દંડ પ્રક્રિયા સંહિતાની કલમ 12પ હેઠળ ભરણપોષણ મેળવી શકતી નથી. જો કે દેશની શીર્ષ અદાલતે આ દલીલને ખારિજ કરી નાખી છે અને પુષ્ટ કર્યું હતું કે, મુસ્લિમ મહિલાઓને પણ સામાન્ય કાયદા હેઠળ ભરણપોષણ મેળવવાનો અધિકાર છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang