• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

પાકિસ્તાની ઘૂસણખોર બોટ સાથે ઝડપાયો

નલિયા, તા. 17 : લખપત તાલુકાના કોટેશ્વર નજીક આવેલા દરિયાકાંઠાના ક્રીક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળની પેટ્રાલિંગ ટુકડીએ ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી એક પાકિસ્તાની બોટ અને એક શખ્સને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.  સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર શુક્રવારના બીએસએફની પેટ્રાલિંગ પાર્ટી દરિયાઈ ક્રીક વિસ્તારમાં રાબેતા મુજબ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન શંકાસ્પદ હિલચાલ જણાતાં જવાનોએ તુરંત કાર્યવાહી કરીને એક પાકિસ્તાની બોટને આંતરી લીધી હતી અને બોટમાં સવાર એક શખ્સને ઝડપી લીધો હતો. બોટની પ્રાથમિક તપાસ દરમિયાન તેમાં માછીમારીનાં સાધનો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ સતર્ક બનેલી બીએસએફની ટીમે શનિવારના આખો દિવસ દરિયાની અંદર વિવિધ ક્રીક વિસ્તારોને ખૂંદી વળીને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બીજી તરફ ક્રીક વિસ્તારની ભૌગોલિક સ્થિતિ અને ભરતી-ઓટના કારણે ઝડપાયેલી બોટને શનિવારની મોડી રાત સુધી કિનારે લાવી શકાઈ ન હોવાથી પકડાયેલા શખ્સની ઓળખ તેમજ અન્ય વિગતો મોડી રાત સુધી સત્તાવાર રીતે જાણી શકાઈ ન હતી. બીએસએફ દ્વારા બોટ અને પકડાયેલા શખ્સને કિનારે લાવ્યા બાદ વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા જોઈન્ટ ઈન્ટ્રોગેશન (સંયુક્ત પૂછપરછ) હાથ ધરવામાં આવશે, ત્યારબાદ જ તે ભૂલથી ભટકી આવ્યો હતો કે કોઈ અન્ય ઈરાદો હતો તે અંગેની સત્તાવાર વિગતો સામે આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વધુ મત્સ્ય પકડાશની લ્હાયમાં સામેપારના માછીમારો દરિયાઇ આંતરરાષ્ટ્રીય સીમા ઓળંગીને આવી ચડતા હોય છે. ક્યારેક માછીમારના સ્વાંગમાં નાપાક ઇરાદે ઘૂસણખોરો પણ ઘૂસી આવતા હોય છે. આમ, સુરક્ષા એજન્સીઓ કોઇ ચૂક ન રહે તે માટે સતત સતર્ક રહે છે. આ રીતે ઝડપાયેલા ઘૂસણખોરની વિવિધ એજન્સીઓ દ્વારા પૂછતાછ થાય છે. નોંધનીય છે કે, થોડા સમયથી આ રીતની ઘૂસણખોરી બંધ હતી તે વચ્ચે હવે ફરી પાકિસ્તાની ઘૂસણખોર સાથે બોટ ઝડપાતાં સીમા સુરક્ષા દળે સર્ચ ઓપરેશન વધુ સઘન બનાવ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd