ગાંધીધામ, તા. 16 : ભચાઉના શિકારપુર ફાટકની બાજુમાં
અબોલા જીવ 115 ઘેટાંને આઇસર ટ્રકમાં ખીચોખીચ, ઘાસચારાની વ્યવસ્થા વગર ભરાતાં પાંચ લોકોને
પોલીસે ઝડપી પાડયા હતા. શિકારપુર ફાટકની આગળ મુલ્તાની પીર દરગાહ નજીક ખુલ્લા મેદાનમાં
એક ટ્રક નંબર જી.જે.-36-વી. -6498માં ઘેટાં ભરાતાં હતાં ત્યારે
પોલીસ ત્રાટકી હતી અને હળવદના ગોપાલ ગાંડુભાઇ બાંભવા, ઘેટાં ખરીદનારા મોરબીના રજાક મુલા કટારિયા,
જામનગરના હનીફ સતાર કટારિયા તેમજ રાજુ તસાજી ઠાકોર અને ઘેટાં આપનારા
શિકારપુરના ઉમરશા અલિશા શેખને પકડી લેવાયા
હતા. આ વાહનમાં પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર 115 ઘેટાં ભરવામાં આવ્યાં હતાં.
પકડાયેલા શખ્સો પાસેથી પરવાનો કે પંચાયતનો દાખલો મગાતાં તે ન હોવાથી પાંચેયને ઝડપી
લેવાયા હતા અને અબોલ જીવને પાંજરાપોળમાં લઇ જવા તજવીજ હાથ ધરાઇ હતી. ઉમરશા વરિષ્ઠ નાગરિક
હોવાથી તેમને નોટિસ આપી જવા દેવાયા હતા. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.