ગાંધીધામ, તા. 22 : અંજાર તાલુકાના મોડવદર ગામે ભાઈ અને બહેનો ગામમાં
મંદિરે જતાં પાછળથી નિશાચરોએ ઘરનાં તાળાં તોડી તેમાંથી રૂા. 1,85,100ની મતાની તફડંચી કરી હતી. મોડવદર ગામમાં રહી
ખાનગી નોકરી કરતા હરીશચંદ્ર વનાભાઈ રબારીએ
બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના માતા-પિતા માલઢોર ચરાવવા નખત્રાણા
બાજુ ગયા છે. ગત તા. 20/9ના
ગામમાં ખેતરપાળ દાદાના મંદિરે માતાજીની તિથિ હોવાથી ફરિયાદી અને તેની નાની બે બહેન
ત્યાં મંદિરે ગયા હતા. બાદમાં બે બહેન કાકાના દીકરા વિષ્ણુ સાથે પરત આવી હતી, ત્યારે ઘરના આગળનું તાળું તૂટેલું
જણાયું હતું અને કબાટમાંથી સરસામાન વેરવિખેર પડયો હતો. ફરિયાદીને બનાવની જાણ થતાં તે
ઘરે દોડી આવ્યો હતો. નિશાચરોએ આ ઘરમાંથી 7પ ગ્રામની ચાંદીની ઝાંઝર, 80 ગ્રામની બીજી ઝાંઝર, 1પ ગ્રામની પેન્ડલવાળી સોનાની ચેન તથા એક ગ્રામનું
પેન્ડલ, 10 ગ્રામની હાથમાં પહેરવાની સોનાની લકી, 14 ગ્રામની પેન્ડલવાળી સોનાની ચેન તથા રોકડ રૂા. પ000 એમ કુલ રૂા. 1,85,100ની મતાની ચોરી કરી નાસી ગયા હતા. રાત્રિના ભાગે
ચોરીના આ બનાવથી ભારે ચકચાર પ્રસરી હતી.