ભુજ, તા. 20 : માંડવી તાલુકાના લુડવાથી ભેરૈયા
વચ્ચે ટ્રેક્ટર પલટી જતાં તેમાં સવાર રમેશભાઈ નામના શખ્સનું મોત થયું હતું, જ્યારે મુંદરા તાલુકાના છસરામાં હોજમાં ડૂબી
જવાથી કેવીન લાલજીભાઈ બલદાણિયા (ઉ.વ. 11) નામના માસૂમનું મૃત્યુ થયું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, લુડવાથી ભેરૈયા વચ્ચેના ધોરીમાર્ગ પર ટ્રેકટર
નં. જીજે 12 એએન 6785ના ચાલક રાણા પ્રતાપસિંગ સ્વામીનાથસિંગે
બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યું હતું, જેથી ટ્રેકટર પલટી ગયું હતું, જેથી તેમાં સવાર હતભાગી
રમેશભાઈને માથા તથા છાતીના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર માટે
તાત્કાલિક 108 મારફતે ગઢશીશા
લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. ગઢશીશા પોલીસે વાહનચાલક વિરુદ્ધ
ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ છસરા ગામની સીમમાં આવેલી વાડીમાં આવેલા
હોજમાં હતભાગી માસૂમ કેવીન કોઈ કારણે પડી જતાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
આ મામલે પ્રાગપર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી હતી.