• મંગળવાર, 22 એપ્રિલ, 2025

ગાંધીધામનાં ગોદામમાંથી 4.08 લાખના ચોખાની ચોરી

ગાંધીધામ, તા. 20 : શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે આવેલાં એક ગોદામના શટર ઊંચા કરી બે શખ્સે ત્રણ વખત મળીને કુલ રૂા. 4,08,000ની 120 બોરી ચોખાની ચોરી કરી હતી. શહેરના કાસેઝમાં આવેલી લીલાધર પાસુ ફોરવર્ડસ પ્રા. લિમિટેડ નામની કંપનીએ ગુજરાત હાઉસિંગ બોર્ડ સામે એસ. પોદાર ઇન્ટરનેશનલ ઇન્ડિયા પ્રા. લિમિટેડ પાસેથી ગોદામ નંબર-16 ભાડે લીધું છે. આ ભાડાંનાં ગોદામમાં કંપનીના ચોખા રાખવામાં આવ્યા હતા. ગોદામ ઉપર બે સુરક્ષાકર્મી પણ તૈનાત કરવામાં આવ્યા છે. ભાડે રાખેલા આ ગોદામમાં ગત તા. 8/4, તા. 14/4, 15/4ના મોડીરાત્રે ચોરીનો બનાવ બન્યો હતો જે તા. 16/4ના બહાર આવ્યો હતો. કંપનીના મેનેજર એવા ફરિયાદી સંદીપસિંહ અશોકસિંહ જેઠવા કંપનીમાં હતા ત્યારે એસ. પોદારના વિમલ પોદારે ફોન કરી ગોદામમાં ચોરી થઇ ગઇ હોવાનું કહ્યું હતું જેથી ફરિયાદી અને અન્ય કર્મીઓ આ ગોદામે આવ્યા હતા. ગોદામમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ તપાસ કરાતાં ત્રણ વખત બે શખ્સ ગોદામનું પાછળનું શટર ઊંચું કરી અંદર ઘૂસતા જણાયા હતા. આ બે શખ્સે ત્રણ વખત મળીને ગોદામમાંથી 40 કિલોની એક એવી 120 બોરીની ચોરી કરી હતી.  આ નિશાચરોએ ગોદામમાં રાખેલા રાઇસ સેલા બાસમતી કપ બ્રાંડની 120  બોરી કિંમત રૂા. 4,08,000ના ચોખાની ચોરી કરી હતી. બનાવ અંગે ગઇકાલે રાત્રે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ચોરી કરવા આવેલા આ શખ્સો બેથી વધુ તથા કોઇ મોટું વાહન લઇને આવ્યા હોવાની આશંકાના આધારે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd