ગાંધીધામ, તા. 19 : રાજ્યના પોલીસવડાના 100 કલાકનાં અલ્ટિમેટમ બાદ રાજ્યભરની
પોલીસ સાથે ગાંધીનગર સ્તરની સ્ટેટ મોનિટરિંગ સેલ પણ સક્રિય થઇ હતી અને રાજ્યભરના અસામાજિક
તત્ત્વો સાથે કચ્છના નામીચા જણાતા બે બુટલેગરનાં નામ પણ જાહેર કરાયાં હતાં. રાજ્યમાં
કાયદો-વ્યવસ્થા મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા, સલામતી અનુભવાય તે માટે અસામાજિક ગુંડા તત્ત્વો વિરુદ્ધ 100 કલાકમાં કડક શિક્ષાત્મક કાર્યવાહી
કરવા સૂચના આપવામાં આવી હતી, જે અંતર્ગત
સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયનાં માર્ગદર્શન હેઠળ રાજ્યમાં
દારૂ, જુગાર, ખનિજ, કેમિલક ચોરીની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 24 તત્ત્વની યાદી તૈયાર કરવામાં
આવી હતી. આવા તત્ત્વોના બિનઅધિકૃત બાંધકામ, દબાણ અંગે કાર્યવાહી કરવા એસ.એમ.સી.ની જુદી-જુદી 15 ટીમ બનાવવામાં આવી હતી. રાજ્યભરની
આ યાદીમાં કચ્છના બુટલેગર જેમના ઉપર દારૂના મોટા જથ્થાના ગુના નોંધાઇ ચૂક્યા છે તેવા
ભચાઉના અશોકસિંહ ઉર્ફે મામા બાલુભા જાડેજા તથા રાપરના પુના ભાણા ભરવાડનાં નામ જાહેર
કરાયાં હતાં. પુના ભરવાડે પોતાના મકાના ભાડાકરાર કે પોલીસમાં જાણ કર્યા વિના ભાડે આપેલ
કે લીધેલા હોવાનું જણાઇ આવ્યું હતું. સંબંધિત મકાનમાલિકો વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ
કાર્યવાહી કરવા સંબંધિત પોલીસ મથકોને જાણ કરવામાં આવી હતી. આવા તત્ત્વોનાં વીજજોડાણ
કાપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવું સપાટી ઉપર આવ્યું હતું.