• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

કચ્છમાં સિંચાઇ તંત્રના ભ્રષ્ટાચાર સામે હાઇકોર્ટની લાલઆંખ

ભુજ, તા. 4 : કચ્છ જિલ્લાના સિંચાઈ વિભાગના અધિકારીઓ વિરુદ્ધ ગુજરાત સરકારની `સુજલામ-સુફલામ યોજના 2022' હેઠળ થયેલા વિશાળ સ્તરે ભ્રષ્ટાચાર અને કરોડોની  નાણાકીય ગેરરીતિઓ અંગે ગુજરાત હાઇકોર્ટમાં તેમના વિરુદ્ધ એફ.આઈ.આર. દાખલ કરી ફોજદારી ગુનો નોંધવા માટે દાખલ થયેલી પિટિશન બાદ કોર્ટ દ્વારા લાલઆંખ થતાં સરકાર તપાસ બાદ જવાબદારો વિરુદ્ધ ફોજદારી નોંધાવાશે તેવી ખાતરી આપી હતી. દેવેન્દ્રસિંહ જગતસિંહ બૈસ દ્વારા દાખલ થયેલી આ પિટિશનની વિગત એવી હતી કે, કચ્છ જિલ્લાના 1000થી વધુ ગામડાંઓમાં તળાવો ઊંડા કરવા, ચેકડેમના નિર્માણ અને જળસંચય વિસ્તારને ઊંડા કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સુજલામ-સુફલામ યોજના 2022 (સુજલામ-સુફલામ જળ અભિયાન 2022) જાહેર કરવામાં આવી હતી. આ યોજના માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી અને તેનો હેતુ ખાસ કરીને કચ્છ જિલ્લાને લાભ આપવાનો હતો. પરંતુ, આ યોજનાની કરોડો રૂપિયાની ફાળવણી થયા પછી પણ જમીન પર કોઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી. કચ્છના વિવિધ ગ્રામ પંચાયતના પ્રમાણપત્રો અને સરપંચના નિવેદનો દ્વારા આ વાતની પુષ્ટિ થઈ છે કે જમીન પર કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત, કચ્છ જિલ્લામાં `રોજકામ' (સ્થળ નિરીક્ષણ અને રેકોર્ડ) પણ કરવામાં આવ્યું હતું અને કચ્છ સિંચાઈના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાના ગેરરીતિના આક્ષેપ સાથે પિટિશન દાખલ કરવામાં આવી હતી. આ અંગેની રજૂઆતો પીએમઓ, મુખ્યમંત્રી કાર્યાલય, એન્ટિ કરપ્શન બ્યૂરો (એસીબી) અને ગુજરાત વિજિલન્સ કમિશનને કરવામાં આવી હતી. ડાયરેકટર, એન્ટિ કરાપ્શન બ્યૂરો દ્વારા 6 અલગ અલગ જિલ્લામાંથી ટીમો બોલાવી તપાસ કરી, પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને સ્પષ્ટ રીતે ગેરરીતિ સાબિત થયેલી છે. આ સિવાય ગુણવત્તા નિયમન શાખા અને સચિવાલયની તપાસ શાખામાંથી પણ તપાસ કરતાં ગેરરીતિ સાબિત થઈ ગઇ છે. જેમાં આ ગેરરીતિઓને ઉજાગર કરવામાં આવી હતી. તેમ છતાં, કચ્છ સિંચાઈ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કોઈ એફ.આઈ.આર. નોંધવામાં આવી ન હતી. આ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા પછી અને કોઈ સંતોષકારક જવાબ કે કાર્યવાહી ન મળતાં, અરજદારે આ તમામ હકીકતો સાથે નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પિટિશન દાખલ કરવાની ફરજ પડી હતી. ત્યારબાદ  નામદાર ગુજરાત હાઈકોર્ટે  બંને પક્ષોની સુનવણી બાદ 27-08-2024ના ગુજરાત હાઇકોર્ટે આ અરજી પર આદેશ પાઠવ્યો હતો જેમાં આક્ષેપોની ગંભીરતાને માન્યતા આપવામાં આવી હતી અને સરકાર પક્ષે એવી ખાતરી આપી કે, બધા પુરાવાઓની સંપૂર્ણ રીતે તપાસ કરવામાં આવશે જે આધાર પુરાવાઓ પિટિશન સાથે રજૂ કરવામાં આવ્યા હતા તે તમામ 440થી વધુ આધાર પુરાવાઓની તપાસ કરવામાં આવશે અને જવાબદાર કચ્છ સિંચાઈ અધિકારીઓ  વિરુદ્ધ એફઆઇઆર નોંધવાનો યોગ્ય નિર્ણય કરવામાં આવશે તેવી ખાતરી સરકાર દ્વારા આપવામાં આવી  હતી અને તે મુજબનો હાઇકોર્ટ દ્વારા આદેશ થયો હતો. અરજદાર વતીથી ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાત્રી આશિષ એમ. ડગલી અને અમન એ. સમાએ  હાજર રહી દલીલો કરી હતી. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang