• શનિવાર, 04 મે, 2024

બંગાળ સરકાર હિંસાને રોકે

લોકસભાની ચૂંટણીઓનો પ્રથમ દોર આટોપાઇ ગયો છે. આગામી દિવસોમાં એક પછી એક તબક્કાનું મતદાન હાથ ધરાતું રહેશે. મતદાનની ટકાવારીની સાથોસાથ લોકશાહીનાં પર્વમાં શાંતિ અને વ્યવસ્થા કેટલાં જળવાયાં તેની પર દેશની નજર મંડાયેલી રહેશે. આવામાં પ્રથમ દોરમાં પશ્ચિમ બંગાળમાં જે રીતે હિંસક બનાવો બન્યા, તે ખરા અર્થમાં ચિંતા જગાવે તેવા છે. આમ તો લોકસભાની કે કોઇપણ ચૂંટણી દરમ્યાન હિંસાના છુટક બનાવો બનતા રહેતા હોય છે, પણ તાજેતરનાં વર્ષોમાં બંગાળમાં જે રીતે હિંસાની આશંકા સતત ઝળૂંબતી રહે છે, તેનાથી લોકશાહીનાં પર્વની સામે જોખમ ઊભું થાય તેવા સંજોગો આકાર લઇ લેતા હોય છે. પશ્ચિમ બંગાળમાં નાની અમથી વાતમાં ભાજપ અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો એકમેકની સાથે બાખડી પડતા હોય છે.  વખતે પ્રથમ તબક્કામાં કુચબિહારમાં તેવા બનાવ સામે આવ્યા છે. કુચબિહારમાં ભાજપના ઉમેદવારે આરોપ મૂક્યો છે કે, રાજ્યના સત્તાધારી પક્ષના કાર્યકરો લોકોને ધમકાવવાના અને મતદાન કરતા રોકવાના પ્રયાસ કરતા રહ્યા હતા. આવો આરોપ તૃણમૂલ કોંગ્રેસે પણ ભાજપના કાર્યકરો પર લગાડયો છે. તોફાનીઓની અટકાયત અને હિંસાને રોકવા માટે કરાયેલી કાર્યવાહીમાં સંખ્યાબંધ બોમ્બ મળી આવ્યા હતા. સ્પષ્ટ છે કે, હિંસાની આગોતરી તૈયારી કરાઇ હતી. પશ્ચિમ બંગાળમાં મતદાન વેળાએ હિંસાની આશંકાને લીધે ચૂંટણીપંચ સતત આગોતરી તૈયારીમાં વ્યસ્ત હોય છે. પંચે હાથ ધરેલી આવી આગોતરી કાર્યવાહીમાં કુચબિહારના મોટા બનાવને ટાળી શકાયો હોત, પણ બધા વચ્ચે સવાલ થાય છે કે, રાજ્ય સરકાર આવાં પગલાંમાં જોઇએ એવો સહયોગ શા માટે આપતી નથી ? લોકસભાની ચૂંટણીઓ માટે રાજ્યમાં મતદાનના હજી બીજા તબક્કા યોજાવાના છે. આવામાં સ્વતંત્ર અને નિષ્પક્ષ મતદાન માટે ચૂંટણીપંચનાં પગલાંમાં રાજ્ય સરકાર પૂરતો સહયોગ આપે તે અપેક્ષિત અને અનિવાર્ય છે. કોઇપણ રાજકીય પક્ષ પોતાના વિજય માટે મતદાતાઓને રીઝવવા અને પોતાની તરફેણમાં મતદાન કરાવે એમાં કોઇને વાંધો હોઇ શકે નહીં. આમાં લોકશાહીની મર્યાદામાં સ્વસ્થ રીતરસમો રહેલી છે, પણ હરીફ પક્ષો અન્ય પક્ષના કાર્યકરો પર હિંસક હુમલા કરાવે અને મતદાનને અટકાવવાના પ્રયાસ કરે કોઇપણ હિસાબે ચલાવી લઇ શકાય નહીં. નાની અમથી વાતમાં કેન્દ્ર સરકાર સામે વિરોધની તલવાર તાણી લેવામાં જરા પણ વિલંબ કરતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસનાં સુપ્રીમો મમતા બેનરજીએ ખરેખર તો રાજ્યમાં રાજકીય હિંસા રોકવા અને પોતાના પક્ષના કાર્યકરોને નાથવામાં ધ્યાન આપીને લોકશાહીનાં મૂલ્યોનાં જતન પર ધ્યાન આપવાની ખાસ જરૂરત છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang