• શનિવાર, 04 મે, 2024

બેંગ્લોર સામે કોલકાતાની એક રને જીત

કોલકાતા, તા. 21 : કોલકાતા અને બેંગ્લોર વચ્ચે રમાયેલી એકદમ થ્રિલર મેચમાં કોલકાતાએ અંતિમ ઓવરમાં એક રને જીત મેળવી હતી. કોલકાતાએ બેંગ્લોરને જીત માટે 223 રનનું લક્ષ્ય આપ્યું હતું, જેનો પીછો કરતા બેંગ્લોરને અંતિમ ઓવરમાં 21 રનની જરૂરિયાત હતી. દરમિયાન કરણ શર્માએ ત્રણ સિક્સર ફટકારીને મેચને નવો વળાંક આપી દીધો હતો. જો કે, બાદમાં સ્ટાર્કે તેને કોટ એન્ડ બોલ્ડ કર્યો હતો. અંતિમ બોલે ત્રણ રનની જરૂરિયાત હતી, ત્યારે એક બેટ્સમેન રન આઉટ થઈ જતાં કેકેઆરને એક વિકેટે જીત મળી હતી. આરસીબીની વધુ એક હારથી તેના માટે સ્થિતિ કઠિન થઇ છે. હવે તેને પ્લેઓફમાં પહોંચવા માટે બાકી છએ મેચ જીતવી આવશ્યક છે. જીત માટે 223 રનના લક્ષ્યનો પીછો કરતાં ઓપનિંગ બેટ્સમેન કોહલી અને ડુપ્લેસી સસ્તામાં આઉટ થયા હતા. બાદમાં રજત પાટીદાર અને વિલ જેક્સે બાજી સંભાળી હતી. બન્નેએ અર્ધસદી કરી હતી. જેક્સે 32 બોલમાં 55 અને રજતે 23 બોલમાં 52 રન કર્યા હતા. બાદમાં સુયશ પ્રભુદેસાઈએ 24, દિનેશ કાર્તિકે 25 અને કરણ શર્માએ 20 રન કરીને બેંગ્લોરને જીતની નજીક પહોંચાડયું હતું. જો કે, છેલ્લી ઓવરમાં 21 રનની જરૂર હતી. જે બેંગ્લોર કરી શક્યું નહોતું અને કોલકાતાને એક રને જીત મળી હતી. કેકેઆર તરફથી રસેલે ત્રણ વિકેટ લીધી હતી, જ્યારે સુનીલ નારાયણને બે વિકેટ મળી હતી. કોલકાતાના ઈડન ગાર્ડનમાં થયેલી કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ વચ્ચેની ટક્કરમાં કોલકાતાએ પહેલા બેટિંગ કરતા સોલ્ટના તોફાની 48 અને શ્રેયસ અય્યરની અર્ધસદીની મદદથી વિકેટે 222 રન કર્યા હતા. મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પહેલાં બોલિંગ પસંદ કરી હતી. જો કે, ઓપનિંગ બેટસમેન સોલ્ટે આવીને તાબડતોબ બેટિંગ શરૂ કરી દીધી હતી. તેણે માત્ર 14 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 48 રન કરી લીધા હતા. જો કે, સૌથી ઝડપી અર્ધસદી કરે તે પહેલાં આઉટ થયો હતો. બીજી તરફ નારાયણ આજે સસ્તામાં આઉટ થયો હતો. સોલ્ટની વિકેટ બાદ જોતજોતામાં કેકેઆરે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. જો કે, શ્રેયસ અય્યરે બાજી સંભાળી હતી અને અર્ધસદી કરી હતી. તેનો સાથ અન્ય ખેલાડીઓએ આપ્યો હતો. જેમાં રિંકુ સિંહે 16 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 24 રન, રસેલે 20 બોલમાં 27 રન અને રમનદીપસિંહે નવ બોલમાં 24 રન કર્યા હતા, જેની મદદથી કોલકાતાએ 222 રનનો મોટો સ્કોર કર્યો હતો. બેંગ્લોર તરફથી કેમરુન ગ્રીન અને યશ દયાલે બે બે વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang