ભુજ, તા. 2 : મદ્રાસ ક્રોકોડાઇલ બેંક ટ્રસ્ટ
અને ટેમ્પલ ઓફ રેપ્ટાઇલ્સ, તંજાવુર દ્વારા
સંયુક્ત રીતે આયોજિત સેવ ધ રેપ્ટાઈલ્સ કેમ્પેઈન તા. 30 સપ્ટેમ્બરના ભુજ ખાતે પહોંચ્યું
હતું. એમસીબીટીના સરીસૃપ સંરક્ષણના 50મા વર્ષ નિમિત્તે યોજાયેલી આ રાષ્ટ્રીય સંરક્ષણ યાત્રા 17,000 કિલોમીટર લાંબી અને 120 દિવસની છે, જે દેશના 22 રાજ્યને આવરી લે છે. ઉલ્લેખનીય
છે કે એમસીબીટીની સ્થાપના ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત રોમુલસ
વ્હીટેકર દ્વારા કરવામાં આવી હતી. આ અભિયાનનું
નેતૃત્વ કરતા એમસીબીટીના ટ્રસ્ટી ગણેશ મુથૈયાની ભુજ મુલાકાત દરમિયાન મહિમ પાંધી વાઇલ્ડલાઇફ
ફાઉન્ડેશનના ચીફ સાયન્ટિસ્ટ ડો. બ્રિન્કી દેસાઈ જોડાયા હતા. આ ટીમે શિશુકુંજ ઇન્ટરનેશનલ
સ્કૂલની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ રુત્વિત ઢોલકિયા અને તનુજભાઈ
શાહ સહિતની વ્યવસ્થાપક ટીમ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દ્વારા નાના વિદ્યાર્થીઓને સરીસૃપોનું
મહત્ત્વ, તેમની પર્યાવરણીય ભૂમિકા અને તેમના સંરક્ષણની
જરૂરિયાત વિશે માહિતી અપાઈ હતી. ત્યારબાદ ટીમે લાલન કોલેજમાં પ્રાણીશાસ્ત્ર વિભાગના
વડા પ્રણવ પંડ્યા અને આચાર્ય ડો. સી. એસ. ઝાલા સાથે બેઠક યોજી સરીસૃપ સંરક્ષણ,
શિક્ષણ અને વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય સમાજમાં જાગૃતિ લાવવા પર વિશેષ
ચર્ચા કરાઈ હતી. અભિયાનની ટીમે વન વિભાગ, પશ્ચિમ કચ્છ વિભાગની
પણ મુલાકાત લીધી હતી અને ડીસીએફ હર્ષ ઠક્કર સાથે મુલાકાત કરી સરીસૃપ સંરક્ષણ તેમજ સંરક્ષણ
સંસ્થાઓ, સરકારી વિભાગો અને સ્થાનિક સમુદાયો વચ્ચેના સંકલનના
મહત્ત્વ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
ભુજ પ્રવાસના ભાગરૂપે ટીમે શહેર અને તેની આસપાસના જળાશયોની મુલાકાત લઈને સ્થાનિક
સરીસૃપ પ્રજાતિઓ અને તેમના વસવાટનું નિરીક્ષણ કર્યું હતું. સાપ, મગર, ગરોળી/સરડા અને કાચબા જેવી સ્થાનિક પ્રજાતિઓને જોવાની
તક મળી હતી. જેનાથી કચ્છ વિસ્તારની સરીસૃપ વિવિધતા અને તેમના કુદરતી રહેઠાણોનું રક્ષણ
કરવાના મહત્ત્વ પર પ્રકાશ પડ્યો હતો. પ્રવાસના અંતિમ તબક્કામાં મહિમ પાંધી વાઇલ્ડલાઇફ
ફાઉન્ડેશનના સ્થાપક દક્ષ પાંધીએ ટીમને કચ્છના કેટલાક સ્થાનિક સરીસૃપોનું પ્રત્યક્ષ
નિદર્શન કરાવ્યું હતું. જેના થકી કચ્છ પંથકની સરીસૃપ વિવિધતાને સમજવાની અને આ પ્રજાતિઓ
તથા તેમના વસવાટોના સંરક્ષણની અગત્યતા જાણવાની તક મળી હતી.