• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

ભુજમાં કાયમી ધોરણે ફૂટપાથો દબાણમુક્ત કરી સુપ્રીમકોર્ટના આદેશની અમલવારી કરો

ભુજ, તા. 6 : શહેરની ફૂટપાથો  પરથી કાયમી ધોરણે દબાણો દૂર કરવા દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરમાં અપાયેલા આદેશની અમલવારી કરવા છેલ્લા પાંચ વર્ષથી વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરતા આવતા સિનિયર સિટીઝને ફરી પોતાની માંગ દોહરાવી છે. દેશની સુપ્રીમ કોર્ટ દ્વારા રાહદારીઓને ચાલવા ફૂટપાથો પરથી દબાણો દૂર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને આદેશ આપ્યો છે, જેના અનુસંધાને શહેરના સિનિયર સિટીઝન એવા કે. વી. ભાવસારે ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસરને પાઠવેલા પત્રમાં જણાવ્યા અનુસાર શહેરની વિવિધ ફૂટપાથો પર થયેલા દબાણો મુદ્દે તેમના દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ભુજના સમગ્ર વહીવટી તંત્ર પાસે આધાર-પુરાવા અને આંકડાકીય માહિતી સાથે સમયાંતરે રજૂઆતો  કરવા છતાં તંત્ર દ્વારા રજુઆતો સાંભળવામાં આવતી ન હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2023માં કલેકટરે આદેશ કર્યો હોવા છતાં તેની અમલવારી કરવામાં આવતી નથી. શહેરના પોશ વિવસ્તાર ગણાતા અનમ રિંગરોડ, છઠ્ઠીબારી રિંગરોડ, બસ સ્ટેશન, હમીરસર તળાવ, હોસ્પિટલ રોડ, સ્ટેશન રોડ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન, ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કુલ, ઓફ્રેડ હાઈસ્કૂલ સહિતના સ્થળે આવેલી ફૂટપાથો પર કાયમી ધોરણે દબાણો થઈ ગયા છે, જેને તંત્ર દ્વારા હટાવાતા નથી. ફૂટપાથો ચાલવા લાયક રહી ન હોવાથી વયોવૃદ્ધ વડીલો જીવના જોખમે, ભયના ઓથાર નીચે દેવ-દર્શને નીકળે છે, તેથી સુપ્રીમ કોર્ટના નિર્ણય મુજબ લોકોને ચાલવા માટે ફૂટપાથો દબાણ મુક્ત નહીં થાય તો, નાછૂટકે કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી અપાઈ છે.

Panchang

dd